Get The App

મુંબઈમાં 7 વર્ષમાં આગની 33 હજાર ઘટનાઃ 221નાં મોત

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં 7 વર્ષમાં આગની 33 હજાર ઘટનાઃ 221નાં મોત 1 - image


આગની સૌથી વધુ ઘટનાઓ શોર્ટ સર્કિટના કારણે

મોટાભાગની ઈમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરતી હોતી નથીઃ સ્લમમાં ગેરકાયદે વીજજોડાણોથી આગના બનાવો

મુંબઈ મહાનગરમાં ગીચ ઝૂંપડપટ્ટીથી માંડીને હાઈરાઈઝ ઈમારતોમાં આગની દુર્ઘટનાનું પ્રમાણ સતત વધતું જ જાય છે. છેલ્લાં સાત વર્ષમાં મુંબઈમાં આગની ૩૩ હજારથી વધુ દુર્ઘટના થઈ હતી જેમાં ૨૨૧ જણે જીવ ગુમાવ્યો હતો અને ૪૯૩ વ્યક્તિ જખમી થઈ હતી. વધુમાં વધુ આગ ખામીયુક્ત ઈલેકટ્રિક વાયરિંગ અને શોર્ટ- સર્કિટને લીધે લાગતી હોવાનું ફાયર- બ્રિગેડે જણાવ્યું હતું.

ચેમ્બુરમાં ગઈકાલે જ એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત જણે જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સદોષ વાયરિંગને કારણે, ઈલેકટ્રિક ફિટિંગ્સની દેખભાળ તરફ દુર્લક્ષને કારણે તેમજ શોર્ટ- સર્કિટને લીધે આગની ઘટનાઓ બને છે.

મુંબઈમાં અનેક ઈમારતોમાં આગ બુઝાવવા માટેના સાધનો ગોઠવવામાં આવેલા હોય છે. પરંતુ તેની યોગ્ય જાળવણીના અભાવે જ્યારે આગ લાગે ત્યારે કામ કરતા નથી હોતા. અગ્નિશામક દળની નિયમાવલીનું સોસાયટીઓ તરફથી યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવતું. 

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘણીવાર ગેરકાયદે વીજળીના જોડાણો મેળવવામાં આવ્યા હોય છે તેને લીધે પણ ક્યારેક આગ લાગે છે. જૂની ચાલીઓમાં આજે  પણ ઈલેકટ્રિક વાયરોના રીતસર જાળા લટકતા જોવા મળે છે. આને લીધે શોર્ટ- સર્કિટ થવાનું સતત જોખમ રહે છે. એટલે આ જોખમ ટાળવા વખતો વખત જૂના વાયરિંગને બદલવું જોઈએ એમ ફાયર બ્રિગેડના અધિકારીઓ જણાવ્યું હતું.

ચેમ્બુરની ફાયર ટ્રેજેડીની આપવીતી

પડોશી મહિલા દીકરીને છાતીએ વળગાડી આગની જવાળામાંથી કૂદી

પોતે બચી ગયાં પરંતુ પડોશીઓ  ભરખાઈ ગયા તેનો વસવસો

ચેમ્બુરના સિદ્ધાર્થ કોલોનીના એક ઘરમાં ફાટી નીકલેલી વિનાશક આગે ગુપ્તા કુટુંબના સાત સભ્યોનો ભોગ લીધો હતો. જ્યારે ગુપ્તાના ઘરને અડીને આવેલા ઘરમાં રહેતી કમલ રણદીવે નામની મહિલાએ ભારે હિમ્મત દેખાડી સાત વર્ષની દીકરીને તેડીને ગળે વળગાડી લપકારા મારતી આગની જ્વાળા વચ્ચેથી બહાર કૂદી હતી અને આમ જીવ બચાવ્યો હતો.

રણદીવે અને ગુપ્તા પરિવારના ઘર વચ્ચે એક જ ભીંત છે. રવિવારે મળસ્કે આગ લાગી કે ભયાવહ ક્ષણોને યાદ કરતા કમલ રણદીવેએ કહ્યું હતું કે અમે મીઠી નિંદરમાં સૂતા હતા ત્યાં આગ.. આગ...ની બુમરાણ મચી ગઈ જોતજોતામાં ભીંતો ધગધગવા માંડી જેવો દરવાજો ખોલ્યો કે ભડભડતી જ્વાળા જોઈને નજર સામે મોત ઉભું હોય એવું લાગ્યું. મેં ઘડીનોય વિચાર કર્યા વિના દિકરીને છાતીએ વળગાડીને ચહેરા પર દુપટ્ટો બાંધીને બહાર દોડી ગઈ. આમ અમે તો બચી ગયા પણ પાડોશી ગુમાવ્યા તેનો આઘાત અસહ્ય થઈ ગયો છે.

આ આગ શોર્ટ-સર્કિટથી લાગી હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. જો કે ભોંયતળીયે આવેલી કરિયાણાની દુકાનમાં રાખવામાં આવેલા કેરોસીન ભરેલા ડ્રમને કારણે આગ વધુ ઝડપથી ભડકી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.



Google NewsGoogle News