માથેરાનમાં ઈ રીક્ષામાં દોઢ માસમાં 32 હજાર પ્રવાસી
પર્યટકોને ઈ રીક્ષા માફક આવવા લાગી
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ટ્રાયલ ના ધોરણે ઈ રીક્ષાનું સંચાલન
મુંબઈ : સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માથેરાનમાં પ્રાયોગિક ધોરણે ઈ-રિક્ષાની શરુઆત કરાઈ છે. જોકે તેને પર્યટકો તેમજ સ્થાનિક પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત દોઢ મહિનામાં ૩૨ હજાર નાગરિકોએ ઈ-રિક્ષા સર્વિસનો લાભ લીધો. જેમાં ચાર હજાર વિદ્યાર્થીઓ સમાવિષ્ટ છે.
બ્રિટીશકાળથી માથેરાનમાં વાહન પર પ્રતિબંધ છે. પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર તરીકે આજેય વાહન પ્રતિબંધ અસ્તિત્વમાં છે. આથી માથેરાનમાં ઘોડાગાડી તેમજ હાથગાડીનો ઉપયોગ વધુ થાય છે. હાથ રિક્ષા એ ગુલામીનું પ્રતિક ગણાતી હોવાથી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ દેશભરમાંથી હાથ રિક્ષા દૂર થઈ પરંતુ બાદમાં માથેરાનમાં એ હજીયે ચાલું જ છે.
જોકે હવે માથેરાનમાં પર્યાવરણને નુકશાન ન થાય અને માણસોને તકલીફ વેઠવી ન પડે તે માટે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ત્રણ મહિના ઈ-રિક્ષા ચલાવી તેના નિરીક્ષણનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તે મુજબ અત્યારે માથેરાનમાં પાંચ ઈ-રિક્ષા ચાલું છે. આ ઈ-રિક્ષાને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પ્રથમ દોઢ મહિનામાં ૪,૪૧૯ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૨,૬૬૫ નાગરિકોએ આ ઈ-ઓટો સર્વિસનો લાભ લીધો છે.