ખુદ નવઘર પોલીસ મથકના બેન્ક ખાતાંમાથી જ 32 લાખની ઉચાપત
મુદ્દામાલની રકમ જમા કરાવવા માટે ખાતું ખોલાવ્યું હતું
બેન્કના કોન્ટ્રાક્ટ પર ના કર્મચારીનું પરાક્રમઃ અગાઉ ફ્રીઝ થયા બાદ ફરી એક્ટિવ ખાતાંના હિસાબો તપાસતાં બહાર આવ્યું
મુંબઇ છ મુલુંડ (ઇ)ના નવઘર પોલીસ સ્ટેશને જપ્ત મુદ્દામાલની રકમ જમા કરવા ખાસ ખોલવામાં આવેલાં એક બેંક ખાતામાંથી ૩૨ લાખ રૃપિયાની રકમ ઉપડી જતાં ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભે પોલીસે બેંક સાથે જોડાયેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ બેંકે કોન્ટ્રાક્ટ પર રાખેલી એક એજન્સીનો કર્મચારી છે.
એક છેતરપિંડીની ઘટના બાદ ૨૦ વર્ષ પહેલા જપ્ત કરેલ ૧૬.૮૦ લાખની રકમ વધીને ૩૨ લાખ પર પહોંચી ગઇ હતી. જો કે તે સમયના સિનિયર ઇન્સ્પેક્ટરે શરૃ કરેલ આ ખાતા બાબતે ત્યારબાદના અન્ય કોઇ સિનિયરોએ ધ્યાન આપ્યું નહોતું. જો કે થોડા સમય પહેલા નવા આવેલ અધિકારીએ આ બાબતે ધ્યાન આપતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મુલુંડ (ઇ) નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ૧૪ જૂનના રોજ દત્તારામ ગિરપે હોદ્દો સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે વિવિધ ગુના હેઠળ જપ્ત થયેલ મુદ્દામાલનું ધ્યાન રાથતા કોન્સ્ટેબલ જયાનંદ રાણેને બોલાવ્યા હતા. ગિરપ જ્યારે જપ્ત કરેલ મુદ્દામાલનું રજીસ્ટર ચેક કરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક સરકારી બેંકના ખાતા પર ગઇ હતી. જેમા વર્ષ ૨૦૦૪માં એક છેતરપિંડીના કેસમા ંજપ્ત થયેલ ૧૬.૮૦ લાખની રકમ જમા કરવામાં આવી હતી. આ બેંક ખાતાની વધુ વિગત મંગાવવામાં આવતા તેમા ફક્ત ૩૨ રૃપિયા જ બેલેન્સ હોવાનું જાણવા મળ્યું હતું. આ બેંક ખાતાની પાસબુક ગયા વર્ષે અપડેટ કરવામાં આવી ત્યારે તેમા ૩૨ લાખ રૃપિયાની રકમ જમા હતા.
આ ઘટના પ્રકાશમાં આવતા ગિરપે તરત જ તપાસના આદેશ આપ્યા હતા જેમા સ્પષ્ટ થયું હતું કે આ બેંક એકાઉન્ટ તે સમયના સિનિયર ઇન્સ્પેક્ટર લક્ષ્મણ ખરપડેના નામે હતું. જો કે સમયાંતરે આ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. પણ ૨૮ માર્ચ ૨૦૨૩ના રોજ તેને ફરીથી કેવાયસીના ડોક્યુમેન્ટ રજૂ કરી ફરીથી કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેંકના સ્ટેટમેન્ટમાં મૂળ રકમ વ્યાજ સાથે વધીને ૩૨ લાખથી વધુ થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું. જો કે ત્યારબાદ અચાનક ખાતામાં ફક્ત ૩૨ રૃપિયા દેખાતા કરેલી તપાસમાં બેંકે કોન્ટ્રાક્ટ પર રાખેલ એક વ્યક્તિએ ખોટા દસ્તાવેજની મદદથી તબક્કાવાર ૩૨ લાખની ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ત્યારબાદ આ પ્રકરણે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણે આરોપીની પત્નીનો પણ સહભાગ હોવાનું જણાતા વધુ તપાસ ચાલી રહી છે.