અપાત્રતા મુદ્દે 31મી ડિસે. પહેલાં નિર્ણયનું સ્પીકરનું આશ્વાસન
20મી ડિસે. પછી ગમે ત્યારે ફેંસલો
શિંદે જૂથની ઉલટતપાસ વહેલી પૂર્ણ કરવાના નિર્ણયથી ઉદ્ધવ જૂથ નારાજ
મુંબઈ : શિવસેનાના ધારાસભ્યોને અપાત્ર ઠેરવવા મુદ્દે તા. ૩૧મી ડિસેમ્બરની સુપ્રીમ કોર્ટે આપેલી મુદ્ત પહેલાં પણ નિર્ણય આવી શકે છે તેવો સંકેત સ્પીકર રાહુલ નાર્વેકરે આપ્યો છે.
સ્પીકરે શિંદે અને ઠાકરે જૂથના વકીલોને આવતીકાલ સુધીમાં તેમની જુબાની પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેના શિંદે અને ઠાકરે જૂથ દ્વારા બંને પક્ષે સાક્ષીઓની ઉલટતપાસ કરી રહી છે. તે મુજબ ઠાકરે જૂથના નેતા સુનીલ પ્રભુની જુબાની નોંધવામાં આવી હતી. બીજી તરફ શિંદેના ધારાસભ્યો દિલીપ લાંડે, યોગેશ કદમ, ઉદય સામંત, દીપક કેસરકર અને સાંસદ રાહુલ શેવાળેએ તેમની જુબાની આપી છે.
આજની સુનાવણી દરમિયાન વિધાનસભાના સ્પીકરે આવતીકાલ સુધીમાં ઉલટતપાસની જુબાની નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આવતીકાલે ૧૨ ડિસેમ્બરે શિંદેના ધારાસભ્ય દીપક કેસરકર, સાંસદ રાહુલ શેવાળે અને છેલ્લે ભરત ગોગાવલે જુબાની આપવાના છે.
ત્યાર બાદ ૧૩ થી ૧૫ ડિસેમ્બર વચ્ચે બંને પક્ષે લેખિત દલીલો થશે. લેખિત દલીલો બાદ ૧૬ થી ૨૦ ડિસેમ્બર સુધી અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. આખરે ૨૦ ડિસેમ્બર પછી કોઈ નિર્ણય આવી શકે છે.
ઠાકરે જૂથના નેતા તથા દંડક સુનીલ પ્રભુએ વિધાનસભા સ્પીકર દ્વારા જારી કરાયેલા નિર્દેશ પર નારાજગી વ્યક્ત કરી હતી. પ્રભુએ કહ્યું કે ઠાકરે જૂથના ધારાસભ્યો માટે અલગ ન્યાય અને શિંદે જૂથના ધારાસભ્યો માટે અલગ ન્યાય નહીં ચાલે. મારી ઉલટ તપાસ છ દિવસ ચાલી અને હવે પાંચથી છ લોકોની ઉલટ તપાસ ત્રણ દિવસમાં આટોપાઈ જશે તે યોગ્ય નથી.