બોરીવલીની દુકાનમાંથી 31 લાખની ભેળસેળયુક્ત મીઠાઈ સહિતનો જથ્થો જપ્ત
દિવાળી ટાણે એફડીએએ ભેળસેળ સામે આળસ ખંખેરી
સડી ગયેલા કાજુ અને સુકામેવા તથા ભેળસેળ ધરાવતી સામગ્રીથી મીઠાઈ બનાવાતી હતી
મુંબઇ : દિવાળી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસના સીબી કંટ્રોલ યુનિટ અને એફડીએએ ભેળસેળ યુક્ત મીઠાઇ બનાવતા ઉત્પાદકો પર કાર્યવાહીની શરૃઆત કરી છે. આવી જ એક ઘટનામાં મુંબઇ પોલીસના આર્થિક ગુના શાખાના સી.બી. કંટ્રોલ યુનિટે એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) સાથે મળી બોરીવલીની એક મીઠાઇની દુકાન પર દરોડા પાડયા હતા જેમાં ભેળસેળ યુક્ત મીઠાઇ અને કાચી સામગ્રી મળી કુલ ૩૧ લાખ રૃપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સીબી કંટ્રોલ યુનિટ-૧૩ના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે માધ્યમોને જણાવ્યું હતું કે તેમને મળેલી એક વિશ્વસનીય માહિતીના આધારે સીબી કંટ્રોલ રૃમના અધિકારીઓએ એફડીએના સહયોગથી બોરીવલી (ઇ)ના દોલતનગર વિસ્તારમાં આવેલ મેસર્સ મા આશાપુરા સ્વીટસ પર દરોડો પાડયો હતો. આ દરોડામાં મીઠાઇના ઉત્પાદન એકમમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અહીં સડી ગયેલા કાજુ, સૂકા મેવા અને અન્ય ભેળસેળયુક્ત ઘટકો સાથે મીઠાઇઓ બનાવવામાં આવી રહી હતી. આ સમયે સીબી કન્ટ્રોલ યુનિટ અને એફડીએની ટીમે મીઠાઇની દુકાનના માલિક અને બોરીવલીના રહેવાસી હિંમતસિંહ મોહનસિંહ રાજપૂત (૪૧)ને કામગારો સાથે ઓપરેશન દરમિયાન રંગેહાથો ઝડપી લીધા હતા.
એફડીએના અધિકારીઓની દેખરેખ હેઠળ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં પંચનામા નોંધવામાં આવ્યા હતા. આ બાબતે સીબી કંન્ટ્રોલ યુનિટના પાટીલે જણાવ્યું હતું કે દરોડા બાદ રાજપૂત અને જપ્ત સામગ્રીને એફડીએ સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ અધિકારીઓએ જાહેર જનતાને તહેવારોની સિઝનમાં મીઠાઇઓ સહિત ખાદ્યપદાર્થો ખરીદવામાં સાવચેતી રાખવાની સલાહ આપી હતી. અને વિશ્વાસ પાત્ર વિક્રેતાઓ પાસેથી જ ઉત્પાદનો ખરીદવા જણાવ્યું હતું.
જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ
સીબી યુનિટ અને એફડીએએ જપ્ત કરેલ વસ્તુઓમાં ૧૧૨ કિલો કાજુ પાવડર, ૩૮૦૯ કિલો કાજુ, ૩૩૬૯ કિલો કાજુ કતલી, અન્ય મિઠાઇઓ ૨૮ કિલો અને ૫૮ કિલો ઘી જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત અંદાજે ૩૧ લાખ જણાવવામાં આવી હતી.