પુણે આઈએસ મોડયુલના આતંકીનું પેકેજ 31 લાખ
બોમ્બ માટેની સામગ્રીને વિનિગર, રોઝ વોટર, શરબત જેવા કોડ વર્ડ આપેલા
એનઆઈએએ કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં આપી ચોંકાવનારી વિગત
મુંબઈ : આઈએસઆઈએસ સાથે સંકળાયેલા મનાતા સાત જણ સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ દાખલ કરેલા આરોપનામામાં મોટા મોટા ખુલાસા કર્યા છે. એનઆઈએના જણાવ્યા અનુસાર દેશભરમાં અનેક સ્થળે હુમલાની યોજના હતી. આ ઉપરાંત આઈટી કંપનીમાં કામ કરનારા લોકો પણ સામેલ હતા. બોમ્બ બનાવવાના મટિરીયલના કોડ વર્ડ બનાવાયા હતા. આ કોર્ડવર્ડના નામ કંપનીઓમાં કામ કરનારાએ બનાવ્યા હતા.
સલ્ફ્યુરિક એસિડ માટે સિરકા (વિનિગર), એસિટોન માટે રોઝ વોટર અને હાઈડ્રોજન પરોક્સાઈડ માટે શરબત કોડવર્ડ વપરાતો હતો. આતંકવાદીઓ મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટક જેવા અનેક રાજ્યમાં હુમલાની રેકી કરી રહ્યા હતા.તેઓ ડ્રોનનો પણ ઉપયોગ કરતા હતા.
કેરળના માઈન્ડવોશ કરાયેલા યુવાનો ઓગસ્ટ ૨૦૨૦માં અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયલા મોટા આતંકવાદી હુમલામાં સંડોવાયા હતા.આ હુમલો આઈએસઆઈએસ આતંકીઓએ કરાવ્યો હતો ેમાં ૨૯ જણ માર્યા ગયા હતા.જેમાં ભારતીયો પણ હતા.
આતંકવાદીઓ જંગલ અને સુમસામ જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું હતું અને અહીં આઈઈડી બનાવી રહ્યા હતા. આ ઉપરાંત પુણેના અનેક વિસ્તારોમાં લોકોના માઈન્ડ વોશ કરીને પોતાની સાથે સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એનઆઈએનો દાવો છે કે એક આરોપી આકીફ નાચને ફેબુ્રઆરીમાં પણ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો.
પકડાયેલા આરોપીઓમાં જુલ્ફીકારનો પગાર એક મલ્ટિનેશનલ કંપનીમાં વર્ષે રૃ.૩૧ લાખ હતો. કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો.મોટાભાગના આતંકીઓ ભણેલા અને ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. આરોપી કાદીર પઠાણ ગ્રાફિક ડિઝાઈનર છે. આઈઈડી બનાવવા એવી વસ્તુ વાપરતા જે આસાનીથી ઉપલબ્ધ હોય છે. જેમાં થર્મામીટર, ૧૨ વોલ્ટના બલ્બ, ફિલ્ટર પેપર, માચિસ, સ્પીકર વાયર અને સોડા પાવડરનો સમાવેશ થતો હતો.
આતંકીઓના હાર્ડડિસ્કમાં અનેક દસ્તાવેજ મળ્યા હતા જેમાં કાર્ડ બોર્ડ પર ખીલી લગાવીને ગાડી પલટાવવી, રોડના ટર્ન પર ગ્રીસ લગાવવું, ગાડીમાં આગ લગાવવા જેવી વાતો લખી હતી. આતંકી સતત વિદેશી આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં હતા. તેમના ઈશારે પર તેઓ પ્લાન તૈયાર કરતા હતા. વિદેશીથી તેમને મોટી રકમ પણ મળતી હતી.