મુંબઇના પશ્ચિમી પરાંઓના પોશ ફ્લેટસમાં ભાડાંઓમાં 30થી 50 ટકાનો વધારો
દક્ષિણ મુંબઇમાં ભાડા વૃદ્ધિ અગાઉ 50 ટકા હતી જે હવે 5 ટકા પર સ્થિર
બિલ્ડરો ભાડૂતોને ભાડા ચૂકવતા હોવાથી માગ વધી, હજુ 5 વર્ષ સુધી ભાડાં સતત વધતાં રહેશે
મુંબઇ : મુંબઇના પશ્ચિમી પરાંઓમાં રહેઠાણના ભાડાઓમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઇ છે. ભાડાના ઘરની માંગ વધી રહી છે અને સારા ફ્લેટસની અછત છે આથી ડિમાન્ડમાં વધારો થતા ભાડાં ૩૦થી પચાસ ટકા જેટલા વધ્યા છે. અંધેરી, ગોરેગાંવ, મલાડ અને બોરીવલીમાં છેલ્લા એક વર્ષથી રેન્ટલ માર્કેટમાં તેજી ચાલી રહી છે.
વર્ષ ૨૦૨૪માં દક્ષિણ મુંબઇના પોશ ટાવર્સમાં ભાડા વૃદ્ધિ ફક્ત પાંચ ટકા નોંધાઇ હતી જે વર્ષ ૨૦૨૧-૨૩ વચ્ચેના બે વર્ષમાં ૫૦થી ૬૦ ટકા જેટલી હતી. વકીલો, ડોક્ટરો, આર્કિટેક્ટસ વિગેરે પ્રોફેશનલની સંખ્યામાં વધારો, શહેરનું વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્ધતન ટાવર્સનું નિર્માણ વિગેરે કારણોથી ભાડા વધી રહ્યા છે તેવું રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાતો માને છે. એક ડેવેલોપરે કહ્યું કે આધુનિક, સાજસજાવટ ધરાવતા મનમોહક ફ્લેટસ, લકઝરિયસ લાઇફસ્ટાઇલ એમેનિટિસ, શોપિંગ મોલ્સ વિગેરેથી આકર્ષાઇ ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનવાનો તથા એનઆરઆઇઓ પશ્ચિમી પરાંઓમાં પોશ ટાવર્સમાં ફ્લેસ્ટસ ભાડે લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
મલાડ ઇસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસેનું થ્રી બીએચકે ફ્લેટનું ભાડુ વર્ષ ૨૦૨૧માં રૃા. ૫૫,૦૦૦ પ્રતિ માસ હતું જે ૨૦૨૩માં વધીને રૃા. ૮૫,૦૦૦ અને ૨૦૨૪માં ૮૭,૦૦૦ રૃપિયા થયું છે. રિયલ એસ્ટેટ કન્સલટન્ટે કહ્યું કે અંધેરીથી બોરીવલી સુધીના પરાંઓમાં રિડેવેલોપમેન્ટના પ્રોજેક્ટસ આકાર લઇ રહ્યા છે અને તે માટે બિલ્ડરો ભાડૂતોને અન્ય રહેઠાણમાં શિફ્ટ થવા માટે ભાડું ચૂકવે છે.
બોરીવલીના એક ટોચના બિલ્ડરના ટાવરમાં ટુ બીએચકે ફ્લેટનું ભાડુ વષ ૨૦૨૧માં રૃા. ૩૯,૦૦૦ હતું, જે વધીને ૨૦૨૩માં ૫૮,૦૦૦ અને વર્ષ ૨૦૨૪માં વધીને રૃા. ૬૫,૦૦૦ થયું છે. આ સમગ્ર પટ્ટા પર વધુ ભાડાનો પ્રશ્ન આગામી પાંચ- દસ વર્ષ સુધી ચાલુ રહેશે તેવું નિષ્ણાતો માને છે. હજુ સેંકડો જૂની સોસાયટીના રહેવાસીઓ ડેવેલોપર્સ સાથે વાટાઘાટ કરી રહ્યા છે.