પેણથી 30 હજાર ગણેશ મૂર્તિઓ ગણેશોત્સવ માટે વિદેશ મોકલાઈ
ગત ગુરુવારે 5000 મૂર્તિઓ અમેરિકા મોકલાઈ
વિદેશના ઓર્ડર ચોમાસાપૂર્વે પૂરાં કરવા જરુરી
મુંબઇ : મૂર્તિકળા માટે મહાષ્ટ્રનું પેણ ખૂબ જાણીતું છે. મોટા ભાગની ગણેશમૂર્તિઓ ત્યાંથી જ બનીને દેશ-વિદેશમાં જતી હોય છે. આ વર્ષની પાંચમી ખેપ ગુરુવારે કેનેડા તથા અમેરિકા મોકલવામાં આવી હોવાની માહિતી પેણના મૂર્તિકારોએ આપી છે. અત્યાર સુધીમાં આ વર્ષે કુલ ૩૦ હજાર ગણેશમૂર્તિ વિદેશ મોકલાઈ છે.
વિદેશના અનિવાસી ભારતીયો ગણેશોત્સવ મોટા પાયે ઉજવતાં હોય છે. તે માટે તેઓ પેણથી મૂર્તિઓ મગાવતાં હોય છે. એકવાર ચોમાસુ શરુ થયા બાદ પવનો અને દરિયાઈ માર્ગે મૂર્તિઓ પહોંચાડવી અઘરી બને છે. આથી ચોમાસાપૂર્વે જ વિદેશના ઓર્ડર પૂરાં કરવા પડતાં હોય છે. દરવર્ષે ફેબુ્રઆરીથી મે મહિના દરમ્યાન આ ઓર્ડર લેવાતા ંહોય છે અને બાદમાં પંદર દિવસમાં તે મૂર્તિઓ પહોંચાડાતી હોય છે. ગત ગુરુવારે પાંચ હજાર મૂર્તિની પાંચમી ખેપ અમેરિકા રવાના કરાઈ છે.
અત્યારસુધીમાં લંડન, સિંગાપોર, બેંગ્કોક, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, થાઈલેંડ અને અમેરિકા દેશોમાં ચાર ઓર્ડર પહોંચાડવામાં આવ્યાં છે. ગુરુવારે પાંચમો ઓર્ડર મોકલવામાં આવ્યો. તેમાં એકથી ચાર ફૂટની મૂર્તિના બોક્સ અને મોટી દસ ફૂટની મૂર્તિઓનો સમાવેશ છે.