બાંદ્રામાં બિલ્ડરના બેન્ક ખાતામાંથી કર્મચારી દ્વારા 30 લાખની ઉચાપત
ઓટીપીનો દુરુપયોગ કરી રકમ પોતાનાં અંગત ખાતાંમાં ટ્રાન્સફર કરી
3 વર્ષથી એન્જિનિયર તરીકે કામ કરતો આરોપી બિલ્ડરના બેંક એકાઉન્ટનું પણ સંચાલન કરતો હતો
મુંબઇ : બાંદ્રા સ્થિત એક બિલ્ડરના ખાતામાંથી તેના જ એક કર્મચારીએ ૩૦ લાખ રૃપિયાની રકમ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ ઘટના બાદ બિલ્ડરે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે કર્મચારી સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. આરોપીએ ઓટીપીનો દુરુપયોગ કરી આ રકમ પોતાના અંગત ખાતામાં વાળી લીધી હોવાનો આરોપ બિલ્ડરે કર્યો છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદી જયચંદ નિશર (૪૫) વ્યવસાયે બિલ્ડર છે અને પરિવાર સાથે બાંદ્રા (ઇ)ના મહારાષ્ટ્ર નગર વિસ્તારમાં રહે છે. તેમની ઓફિસ અહીંના જ ગાંધીનગર વિસ્તારમાં આવેલી છે. નિશર સાથે આફતાબ શેખ નામનો એક સિવિલ એન્જિનિયર છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે.
આ બાબતે એક પોલીસ અધિકારી અનુસાર નિશરની ગેરહાજરીમાં શેખ કંપનીના બેંક એકાઉન્ટનું પણ સંચાલન કરતો હતો. કંપનીના યુઝર આઇડી અને પાસવર્ડ સહિત તમામ નાણાકીય વ્યવહારોની વિગત પણ શેખ પાસે હતી.
નિશરે એફઆઇઆરમાં દાવો કર્યો હતો કે ૧૬ જૂનના જ્યારે તેઓ સાંજે ૪.૩૦ વાગ્યે ઓફિસમાં લંચ કરી રહ્યા હતા ત્યારે આફતાબ શેખ, સુષાંત ખૈરે અને તેનો ડ્રાઇવર સુશાંત પાલ ત્યાં હાજર હતા. આ સમયે એક વ્યક્તિ તેના સાતથી આઠ મિત્રો સાથે નિશરની ઓફિસમાં ધસી આવ્યો હતો. અને નિશર અને તેમના સ્ટાફને ધમકાવી તેણે રૃમ ખરીદવા માટે ચૂકવેલા પૈસા પાછા આપવાનું જણાવ્યું હતું. નિશર આ ઘટના બાદ ખેરવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા અને તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે તેમને એક મેસેજ આવ્યો હતો જેમાં તેમના ખાતામાંથી ૩૦ લાખ રૃપિયાની રકમ એનઇએફટી દ્વારા કોઇ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ મેસેજ આવતા નિશર ચોંકી ગયા હતા અને વધુ તપાસ કરતા આ રકમ આફતાબ શેખના ખાતામાં ટ્રાન્સફર થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી નિશરને પછીથી જાણવા મળ્યુ ંહતું કે શેખે ઓફિસમાં કામ કરતી વખતે તેમની જાણ બહાર ઓટીપી મેળવીને આ રકમ પોતાના અંગત ખાતામાં વાળી લીધી હતી. નિશરના નિવેદનના આધારે પોલીસે શેખ સામે છેતરપિંજીનો ગુનો નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.