ગિરગાવમાં આગથી બચવા 3 યુવાનો 2જા માળેથી નીચે કૂદી પડયા
ચીરાબજારની
ઈમારતમાં શોર્ટ સર્કિટને લીધે આગ
વહેલી
પરોઢે આગથી દોડધામ મચીઃ ત્રણેય ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં
મુંબઈ
: દક્ષિણ મુંબઈના ગિરગાવ વિસ્તારના
ચીરાબજારમાં આવેલી ત્રણ માળની એક ઈમારતમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા
જીવ બચાવવા ત્રણ યુવાનો બીજા માળેથી નીચે કૂદી પડયા હતા. આ ઘટનામાં યુવાનોને ઈજા
થતા વધુ સારવાર માટે નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટને લીધે
આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.
આ
સંદર્ભે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈના ગિરગાવમાં
આવેલી ચીરાબજારની હેમરાજવાડીમાં આવેલ ત્રણ માળની એશિયાનિક ઈમારતમાં વહેલી સવારે
૩.૨૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો
હતો. આગની જવાળાઓ આ ઈમારતના બીજા માળની એક રૃમ સુધી પહોંચી જતા આ રૃમમાં નિદ્રાધીન
ત્રણ યુવાનો આગની જવાળામાં ફસાઈ જતા બચવાના આશયથી તેઓ બીજા માળેથી નીચે કૂદી પડયા
હતા.
આ
ઘટનામાં ત્રણે યુવાનો ઈજા પામતા તેમને તાત્કાલિક પાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનોના નામ કાર્તિક માઝી (૨૬), દિપેન્દર મંડલ (૧૯)
અને ઉપ્પલ મંડલ (૨૬) હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના બાદ ફાયર
બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.