મીરા રોડ પર સ્વીમીંગ પૂલ બનાવવા 3 હજાર વૃક્ષોનો સફાયો કરી દેવાશે
પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉગ્ર વિરોધ
હજારો વૃક્ષ ઉગાડવાનો ખર્ચ એળે જશેઃ મહાપાલિકા 3 ગણા વૃક્ષ વાવવાનો દાવો કરે છે પણ જગ્યા જ નથી
મુંબઈ : મીરા ભાયંદર મહાનગર પાલિકાએ મીરાં રોડના રામદેવ પાર્કમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વીમીંગ પૂલ બનાવવા ૩૨૬૭ વૃક્ષ કાપવાનો ઈરાદો જાહેર કરતાં વિરોધ ફાટી નીકળ્યો છે.
અહીં કોઈ સ્વીમીંગ પૂલની માંગ થઈ ન હોવા છતાં મહાપાલિકાએ જાતે જ આખી યોજના ઘડી કાઢી છે. તેના માટે ૬૦૦થી વધુ મોટાં ઘટાદાર વૃક્ષ અને અન્ય નાનાં વૃક્ષ કાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. તે માટે લોકોના વાંધા સૂચન મગાવાયાં છે.
જોકે, આ સૂચન સામે ભારે વિરોધ થયો છે. રામદેવ પાર્કમાં અગાઉ મિયાવાકી પદ્ધતિથી પચ્ચીસ હજાર વૃક્ષ ઉગાડવા લાખો રુપિયા ખર્ચાયા હતા. તેમાંથી ત્રણ હજાર વૃક્ષનું નિકંદન કાઢવામાં આવે તો અગાઉ થયેલો ખર્ચ એળે જશે. મહાપાલિકાએ રિટ્રાન્સપ્લાન્ટની દરખાસ્ત મૂકી છે પરંતુ ભૂતકાળના અનેક પ્રોજેક્ટસના અનુભવ છે કે એ રીતે ટ્રાન્સલોકેટ કરાયેલાં મોટાભાગનાં વૃક્ષ સૂકાઈ જાય છે. આ ઉપરાંત મહાપાલિકા ત્રણ ગણાં નવાં વૃક્ષ ઉગાડવા દાવો કરે છે પરંતુ વાસ્તવમાં મહાપાલિકા પાસે ક્યાંય એટલી ઓપન સ્પેસ છે જ નહીં.
હાલ મોટાભાગનાં વૃક્ષ વિકસિત થઈ ચૂક્યાં છે. તેના પર અસંખ્ય પક્ષીના માળા પણ છે. આમ લોકોએ જેની માંગ કરી જ નથી એવા એક સ્વીમીંગ પૂલ ખાતર એક આખી ઈકો સિસ્ટમનો સફાયો બોલાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે જેનો પર્યાવરણપ્રેમીઓએ આકરો વિરોધ કર્યો છે.