બદલાપુર પોલીસ મથકના સિનિયર પીઆઈ સહિત 3 સસ્પેન્ડ
જાતીય સતામણીની ફરિયાદ નોંધવામાં ઢીલ
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવા ગૃહ ખાતાંના આદેશો
મુંબઇ : બદલાપુરની સ્કૂલમાં બે વિદ્યાર્થિનીના લૈંગિક અત્યાચારની તપાસ કરવા ફરજમાં કથિત બેદરકારી દાખવવા બદલ એક સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સહિત ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ ઘટનામાં શરૃઆતમાં કાર્યવાહીમાં વિલંબ કરનારા બદલાપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર, હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે, એવું નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક્સ પર પોસ્ટ કર્યું હતું.
રાજ્ય સરકારે આજના આંદોલનના પગલે બે વિદ્યાર્થિનીઓના જાતીય શોષણની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત ફડણવીસે થાણે પોલીસ કમિશનરને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની દરખાસ્ત તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે પીડિત છોકરીઓના માતા-પિતાને તેમની ફરિયાદ લેતા પહેલા બદલાપુર પોલીસ સ્ટેશનમાં ૧૧ કલાક સુધી રાહ જોવડાવવામાં આવી હતી.