ચોરાયેલાં વાહનો ફરી વેચવાના રેકેટમાં 3 આરટીઓ અધિકારી પણ ઝડપાયા
ચેસીસ નંબર બદલી વેચનારી આખી ગેંગની ધરપકડ
રૃ.5.5 કરોડની કિંમતના 29 વાહનો જપ્ત કર્યા : નવી મુંબઈ, થાણે, મીરા- ભાઈંદર, ધુળે, યુપી હરિયાણામાં કેસ દાખલ
મુંબઈ : થાણે પોલીસે ચોરી કરાયેલા વાહનોના ચેસીસ નંબર સાથે ચેડાં કરીને ફરી વેચવાના રેકેટમાં આરટીઓના ત્રણ ઓફિસર સહિત નવ આરોપીની ગેંગની ઝડપી લીધી હતી. આરોપીઓએ ચોરી કરીને વેચી દીધેલા રૃ.૫.૫કરોડની કિંમતના ૨૯ વાહનો પોલીસે જપ્ત કર્યા છે.
અન્ય રાજ્યોમાં ચોરાયેલા વાહનો મહારાષ્ટ્રમાં બનાવટી દસ્તાવેજોના આધારે રજીસ્ટર કરાતા હોવાની માહિતી થાણે ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૃ કરી દીધી.
પોલીસે ઘણા ઈનપુટ્સ પર કામ કરીને છત્રપતિ સંભાજીનગરના મુખ્ય આરોપી જાવેદ અબ્દુલ્લા શેખ ઉર્ફે મણિયારને પકડયો હતો. તેણે અન્ય આરોપીઓની મદદથી જુદા જુદા રાજ્યમાંથી ચોરી કરાયેલા વાહનોની ચેસીસ અને એન્જીન નંબર બદલી કર્યા હતા. પછી નાગપુર અને અમરાવતીના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)માં વાહનો ફરી રજીસ્ટર કરાવ્યા હતા.
આ માટે અમરાવતીના એક આસિસ્ટન્ટ આરટીઓ ઓફિસર, એક મોટર ટ્રાન્સપોર્ટ ઈન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ ઈન્સ્પેક્ટરે આરોપીઓને મદદ કરી હતી. આ ત્રણ અધિકારીની ધરપકડ કરાઈ છે.
આરોપી આરટીઓ અધિકારીઓએ કથિત રીતે વાહનોના રજીસ્ટ્રેશનને મંજૂરી આપી હતી અને તેમના પોર્ટેલ પર વિગતો અપલોડ કરી હતી. જેના કારણે ચોરી કરાયેલા વાહનોમાં કોઈ સમસ્યા ન હોવાનું લોકો માનતા હતા.
નવી મુંબઈ, થાણે, મીરા ભાઈંદર, ધુળે અને ઔરંગાબાદમાં નોંધાયેલા આ પ્રકારના દસ કેસમાં મુખ્ય આરોપીનું નામ છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ગુનાઓમાં પણ તે સંડોવાયેલો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.