Get The App

મુંબઇના 3 યુવક મર્સિડીઝ કાર અકસ્માતમાં મોતના મુખમાં ધકેલાયા, 1 જખમી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
મુંબઇના 3 યુવક મર્સિડીઝ કાર અકસ્માતમાં મોતના મુખમાં ધકેલાયા, 1 જખમી 1 - image


થર્ટી ફર્સ્ટની પાર્ટી જીવલેણ બની

ઇગતપુરીમાં ટ્રક સાથે પાછળથી કારની જોરદાર અથડામણ

મુંબઇ :  નવા વર્ષની ઉજવણી માટે મુંબઇથી ઇગતપુરી રિસોર્ટમાં પાર્ટી કરવા ગયેલા ત્રણ મિત્રનું મર્સિડીઝ કારના ભીષણ અકસ્માતમાં મોત નિપજતા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ દુર્ઘટનામાં એક યુવક ગંભીરપણે ઘાયલ થયો હતો. બટાટા ભરેલા ટ્રક સાથે કારની પાછળથી જોરદાર અથડામણ થઇ હતી.

જેના કારણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી. ઇગતપુરી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ભોજનેએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે મુંબઇ- આગ્રા હાઇવે પર નાશિકના ઇગતપુરીમાં બોરટેમ્ભે ફાટા પાસે આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં ત્રણ મિત્ર દાદરમાં રહેતા ધ્વજ જૈન (ઉં.વ.૨૪), પરેલના ઋષભ સોલંકી (ઉં.વ.૨૩), દાદરના શિખર યાદવ (ઉં.વ.૨૩)નું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તે વાત કરવાની હાલતમાં નથી.

ઇગતપુરીની રિસોર્ટમાં તેઓ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે આવ્યા હતા. તેઓ ૩૦ ડિસેમ્બરે અહીં આવ્યા હતા. તેઓ મર્સિડીઝમાં આજે વહેલી સવારે મુંબઇ તરફ જઇ રહ્યા હતા. ત્યારે કાર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર આગળ જઇ રહેલા ટ્રક સાથે ટકરાઇ હતી.  ટ્રક ડ્રાઇવરે પોલીસને અકસ્માતની જાણ કરી હતી પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા હતા.

પોલીસે મૃતકના પરિવારને અકસ્માતની માહિતી આપ્યા બાદ પરિવારજનો ઇગતપુરી પહોંચી ગયા હતા.મૃતક યુવકો વ્યવસાય અને ઓનલાઇન અભ્યાસ કરતા હોવાનું કહેવાય છે. અકસ્માત વખતે તેઓ દારૃના નશામાં હતા કે કેમ તે  તબીબી રિપોર્ટ પરથી માલૂમ પડશે, એમ મહિલા પીએસઆઇ ભોજનેએ વધુમાં કહ્યું હતું.



Google NewsGoogle News