સલમાન ફાયરિંગ કેસમાં બિશ્નોઈ ગેંગના વધુ 3ની ધરપકડ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
સલમાન  ફાયરિંગ કેસમાં  બિશ્નોઈ ગેંગના વધુ 3ની ધરપકડ 1 - image


શૂટર્સને મદદ કરી હોવાની આશંકાએ ઝડપી  લેવાયા

પૈસા વસૂલી, ગેંગમાં યુવકોની ભરતી  તથા વિદેશ ગેરકાયદેસર રીતે લોકોને મોકલવા સહિતના કૃત્યોમાં સંડોવણી

મુંબઇ -  બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના બાંદરાના નિવાસ સ્થાને ગોળીબારના સંબંધમાં ત્રણ શકમંદોની ચંડીગઢ પોલીસે ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગના ત્રણ ગુંડાએ શૂટરોને મદદ કરી હોવાનું કહેવાય છે.

ચંડીગઢ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના ડીએસપી ઉદય પાલે જણાવ્યું હતું કે ચંડીગઢની દાદુમાજરા કોલોનીમાંથી રવિન્દર સિંહ અને પંજાબના ફાજિલ્કાથી જાવેદ ઝિંદાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ બાદ મોહાલીથી કરણ કપૂરની ધરપકડ કરાઇ હતી. સ્થાનિક કોર્ટે તેમને પાંચ દિવસ પોલીસ કસ્ટડી આપી હતી.

હવે મુંબઇ પોલીસ આ ત્રિપુટીનો કબજો લેશે  એવી શક્યતા છે. તેમની પૂછપરછથી કેસમાં મહત્વની માહિતી મળી શકે છે. ચંડીગઢમાં બિશ્નોઇ અને લકી પટિયા ગેંગ સાથે સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસ ૧૮મેથી પ્રયત્ન કરી રહી હતી. આ ત્રણ આરોપીઓ મોબાઇલ અપ  દ્વારા વાતચીત કરીને પોલીસથી બચી રહ્યા હતાં.

ભટિંડાના બિશ્નોઇના બેચમેટ ઝિંજાએ ગેરકાયદે રીતે પૈસા જમા કર્યા હતા તેણે ચંડીગઢ અને પંજાબના યુવાનોને તેના નેટવર્કમાં જોડાવા માટે લાલચ આપી હતી. ચંડીગઢ પોલીસે માહિતી આપી હતી કે તેની વિરુદ્ધ  પંજાબ, રાજસ્થાન, ચંડીગઢમાં છ કેસ નોંધાયેલા છે. રીઢા ગુનેગાર ઝિંજાના નજીકના સાથીદાર રવિન્દરે તેને પૈસા વસૂલ કરવામાં મદદ કરી હતી.

જ્યારે ત્રીજો આરોપી કરણ કપૂર તેના ઘરેથી ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશનનો વ્યવસાય કરતો હતો. તેણે ઘણા લોકોને વિદેશ મોકલ્યા હતા. અભિનેતા સલમાન ખાનના બાંદરાના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ૧૪ એપ્રિલના વહેલી સવારે બાઇક પર આવેલા બે શખસે ગોળીબાર કર્યો હતો. બાદમાં મુંબઇ પોલીસે ૭૨ કલાકમાં ગુજરાતના માતાના  મઢ ખાતેથી બંને શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરી હતી. ચંદીગઢથી પકડાયેલા ત્રણ આરોપી આ બંને શૂટરના સંપર્કમાં હતા.

મુંબઇ પોલીસે શૂટરને શસ્ત્રો પૂરા પાડનારા અને આર્થિક મદદ કરનારા  અન્ય આરોપીઓને પણ ઝડપી લીધા હતા. પોલીસ લોક અપમાં એક આરોપીએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર જાગી હતી.

વર્ષો અગાઉ રાજસ્થાનમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળીયારનો શિકાર કરતા બિશ્નોઇ સમાજ રોષે ભરાયો હતો. કાળીયારના શિકારને લઇને લોરેન્સ બિશ્નોઇએ અનેક વખત સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.



Google NewsGoogle News