શિક્ષક પાત્રતા પરીક્ષા માટે 3 લાખ રજીસ્ટ્રેશન થયાં
10મી નવેમ્બરે રાજ્યમાં પરીક્ષા યોજાશે
ફોર્મ ભરતી વખતે ટેક્નિકલ સમસ્યા સર્જાતાં ગુરુવારનો દિવસ ફી ભરવા વધારી અપાયો
મુંબઈ : મહારાષ્ટ્રમાં શિક્ષકની નોકરી માટે જરુરી ગણાતી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી) આ વર્ષે દિવાળી બાદ ૧૦ નવેમ્બરે થવાની છે. તે માટે રજીસ્ટ્રેશનની મુદ્દત પૂરી થઈ છે. આ પરીક્ષા માટે આ વર્ષે આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંના કેટલાંક વિદ્યાર્થીઓને ફી ભરવામાં ટેક્નિકલ સમસ્યાઓ સર્જાઈ હતી. તેમને ફી ભરવા માટે ગુરુવાર સુધીની મુદ્દત વધારી અપાઈ હતી.
'ટીઈટી' માટે ફી ભરવા માટે ઉમેદવારોને ૩૦ સપ્ટેમ્બર સુધીની મુદ્દત અપાઈ હતી. તે મુજબ ૩.૩૨ લાખ ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હતું. તેમાંના ૩૪,૨૯૯ જેટલાં વિદ્યાર્થીઓને ફી ભરવામાં સમસ્યા થઈ હતી. મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદને તેની જાણ થતાં એક્ઝામિનેશન કાઉન્સિલે ફી ભરવા માટે મુદ્દત વધારી આપી હતી.
પરીક્ષા કેન્દ્ર, કેન્દ્ર સંચાલક, સુપર વાઈઝર વગેરેની નિયુક્તિ ગુરુવાર સુધીમાં કુલ ભરાયેલાં ફોર્મની સંખ્યાને આધારે નક્કી કરાશે અને બાદમાં પરીક્ષાનું નિયોજન હાથ ધરાશે, એવું સ્ટેટ એક્ઝામિનેશન કાઉન્સિલ વતી જણાવાયું છે.