સાંસદ સુનિલ તટકરેને લેવા આવતું હેલિકોપ્ટર તૂટી પડતાં 3નાં મોત
પુણે પાસે બાવધનની પહાડીમાં દુર્ઘટનાગ્રસ્ત
આગ લાગી વિસ્ફોટ થતા 2 પાઇલટ, 1 એન્જિનિયર મોતને ભેટયા, , એજિત જૂથની એનસીપીએ વિધાનસભા ચૂંટણી માટે ભાડે લીધું હતું
આગલા દિવસે જ તટકરે આ હેલિકોપ્ટરમાં ગયા હતા અને ફરી તેમને મુંબઈથી લેવા આવવા માટે જ રવાના થયું હતું
મુંબઇ : પુણે પાસે આજે એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલટ તથા એક એન્જિનિયર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં. આ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી અને તેના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા. આ હેલિકોપ્ટર અજિત પવાર જૂથની એનસીપી દ્વારા ચૂંટણી કામગીરી માટે ભાડે લેવાયું હતું. અજિત જૂથના સુનિલ તટકરેેને મુંબઈ લેવા આવવા માટે જ આ હેલિકોપ્ટર રવાના થયું હતું તે વખતે ખરાબ હવામાનના કારણે તૂટી પડયું હતું.
દિલ્હી સ્થિત હેરિટેજ એવિએશનનું હેલિકોપ્ટરે અહીંના ઓકસફર્ડ કાઉન્ટી ગોલ્ફ કોર્સ હેલિપેડથી ઉડાણ ભરી હતી. તે મુંબઇના જૂહુ તરફ જઇ રહ્યું હતું. ત્યારે પુણેના બાવધન વિસ્તારમાં આજે સવારે ૭.૪૦ વાગ્યે પહાડી વિસ્તારની નજીક ગોલ્ફ કોર્સ પાસે આ ઘટના બની હતી.
પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનર વિનયકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે ફાયર વિભાગના વાહનો સાથે અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક અધિકારીએ કહ્યું હતું કે અગસ્ત ૧૦૯ હેલિકોપ્ટર હેરિટેજ એવિએશનનું હતું.હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ એન્જિનમાં આગ લાગી હતી. જેના લીધે હેલિકોપ્ટરમાં વિસ્ફોટ થયો હતો. અને તેના ટુકડા થઇ ગયા હતા. હેલિકોપ્ટર ટેકઓફના પાંચ મિનિટ બાદ તૂટી પડયું હતું.
મૃતકમાં બે પાઇલટ કેપ્ટન પિલ્લઇ અને કેપ્ટન પરમજીત સિંહ તેમજ એન્જિનિયર પ્રીતમ ભારદ્વાજનો સમાવેશ છે. મૃતદેહોને સાસૂન હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હેલિકોપ્ટર ચોક્કસ કેવી રીતે પડી ગયું એની તપાસ થઇ રહી છે.
લોકસભાના મેમ્બર અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે તેઓ આજે મુંબઇથી રાયગઢ જવા આ જ ે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરવાના હતા. આ હેલિકોપ્ટર તેમની પાર્ટી દ્વારા ચૂંટણીના કામ માટે ભાડે લેવાયું હતું.
ટ્વિન એન્જિન ઓગસ્ટા હેલિકોપ્ટરમાં મંગળવારે સુનીલ તટકરે પુણેથી બીડના પરળી ગયા હતા ત્યાંથી આ હેલિકોપ્ટરમાં પુણે પરત આવ્યા હતા ત્યાર બાદ હેલિકોપ્ટર પુણેમાં છોડીને તટકરે મુંબઇ આવ્યા હતા. તેઓ આજે આ હેલિકોપ્ટરમાં મુંબઇથી રાયગઢના સુતારવાડી જવાના હતા. હેેલિકોપ્ટર પુણેથી મુંબઈ આવી રહ્યું હતું તે સમયે અકસ્માત સર્જાયો હતો.