Get The App

સુરતના પરિવારની એસયુવીએ 5 કારને ટક્કર મારતા 3ના મોત, 6 જખમી

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
સુરતના પરિવારની એસયુવીએ 5 કારને ટક્કર મારતા 3ના મોત, 6 જખમી 1 - image


બાંદરા-વરલી સી-લિંક પર જોરદાર અકસ્માત

મૃતકમાં 2 મહિલાનો સમાવેશ : સુરતથી મુંબઇમાં ફરવા આવ્યા હતા

મુંબઇ :  મુંબઇ ફરવા આવેલા સુરતના પરિવારની એસયુવી ગાડીએ બાંદરા- વરલી સી- લિંક પર એક પછી એક પાંચ કારને અડફેટમાં લેતા ભીષણ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઇનોવામાં પ્રવાસ કરતા બે મહિલા સહિત ત્રણ જણ  મોતને ભેટયા હતા. જ્યારે છ જણ ઘાયલ થયા હતા. પોલીસે ઇનોવાના ઇજાગ્રસ્ત ડ્રાઇવર સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

બાંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રોડ્રીક્સે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે સુરતથી છ જણનો પરિવાર મુંબઇ ફરવા આવ્યા હતા. તેઓ મુંબઇ સેન્ટ્રલ નજીક રોકાયા હતા તેઓ ગઇકાલે રાતે અંદાજે ૧૦ વાગ્યે ઇનોવા ગાડીમાં સુરત પાછા જઇ રહ્યા હતા. બાંદરા- વરલી સી-લિંક પર અચાનક ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાંદરા નજીક સી-લિંક પર ટોલ બૂથથી લગભગ ૨૦૦ મીટર પહેલા ઇનોવા ગાડી ડિવાઇડર સાથે ટકરાઇ હતી. પછી તેણે મર્સિડીઝ બેન્ઝ કારને અડફેટમાં લીધી હતી. ત્યારબાદ એક પછી એક અન્ય ચાર કારને એસયુવી ગાડીએ ટક્કર મારી હતી.

ઇનોવા ગાડી ડ્રાઇવર મોહમ્મદ સરફરાઝ શેખ ચલાવી રહ્યો હતો. આ દુર્ઘટનામાં વાહનોને ભારે નુકસાન થયું હતું.  અકસ્માત એટલો ભયાનક હતો કે ઇનોવામાં પ્રવાસ કરતા ખાતીજા સુલેમાન હાટીયા, હવાગોરી હનિફ પીર, મોહમ્મદ હનિફ આદમ પીર સહિત છ જણ અને ડ્રાઇવર શેખને ગંભીર ઇજા થઇ હતી. આ સિવાય અન્ય વાહનમાં  બે જણ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ  ખાતીજા, હવાગોરી તથા મોહમ્મદ હનિફનું મૃત્યુ થયું હતું. ઘાયલ પૈકી બેની હાલત નાજુક છે. 

અકસ્માતના લીધે સી-લિંક પર અન્ય વાહનમાં પ્રવાસ કરતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અહીં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. અકસ્માત વખતે ટોલબુથના કર્મચારીએ પણ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. 

સુરતના રહેવાસી હંમેશા આરોપી ડ્રાઇવરને લઇને જ બહાર જતા હતા

સી-લિંક પર ગઇકાલે રાતે પાંચ વાહનને અડફેટમાં લેનારો ડ્રાઇવર મોહમ્મદ સરફરાજ શેખ સુરતના મૃતક અને ઇજાગ્રસ્તના પરિવારના સભ્ય જેવા જ હતો. આ પરિવાર હંમેશા ગાડીમાં બહાર જવું હોય તો ડ્રાઇવર શેખને જ સાથે રાખતા હતા. આરોપી ડ્રાઇવરને ઝોકું આવી જતા કે અન્ય કયા કારણથી વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું એની તપાસ થઇ રહી છે. અકસ્માત વખતે કદાચ તે દારૃના નશામાં નહોતો. આરોપીની પૂછપરછ અને તબીબી રિપોર્ટ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે એમ બાંદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રોડ્રીક્સે જણાવ્યું હતું. 

ઇજા ગ્રસ્ત ડ્રાઇવર શેખ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

મર્સીડીઝને ટક્કર બાદ માર પડવાના ડરથી ભાગ્યો અને અન્ય વાહનોને ટક્ક મારી

બાંદરા- વરલી સી-લિંક પર અકસ્માત વખતે ઇનોવા ગાડીનો ડ્રાઇવર ગભરાઇ ગયો હતો. અકસ્માતને લીધે ઉશ્કેરાયેલા લોકો ઢોરમાર મારશે એવા ડરથી ડ્રાઇવરે ઘટના સ્થળેથી  ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે ટોલબૂથ નજીક વાહન પરથી કાબુ ગુમાવ્યો અને ઘણી કારને અડફેટમાં લીધી હતી, એમ ઝોન-૯ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું.



Google NewsGoogle News