પુણે હાઈવે પર જીવલેણ અક્સ્માતમાં 3ના મોત, 1 શખ્સ ઘાયલ
નવી કાર ખરીદતા ગણેશ મંદિરના દર્શન કરવા ગયા હતા
અકસ્માત સર્જનારા ટેન્કર ચાલકની ધરપકડ
મુંબઇ : પુણેમાં રવિવારે નવી કાર ખરીદ્યા બાદ ગણેશ મંદિરમાં દર્શન કરી ઘરે પરત ફરતા લોનીકંદ થેઉર રોડ પર કન્ટેનર અને કાર વચ્ચે અથડામણ થતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. તો એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
આ અકસ્માતમાં વિનોદ ભોજને (ઉ.વ. ૩૬), વિઠ્ઠલ જોગદંડ (ઉ.વ. ૩૬) અને ગણેશ જાધવ (ઉ.વ. ૩૫) નું મોત થયું હતું. તો આ અકસ્માતમાં હેમંત લખમણ દલાઈ (ઉ.વ. ૩૦)ને ગંભીર ઈજાઓ થતા ઘાયલ થયો હતો.
વિગતોનુસાર, ગણેશ જાધવે નવી કાર ખરીદી હતી. કાર ખરીદ્યા બાદ ગણેશ અને તેના મિત્રો વિનોદ, વિઠ્ઠલ, હેમંત રવિવારે થેઉરમાં ગણેશ મંદિરના દર્શન માટે આવ્યા હતા. રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ તેઓ દર્શન કરીને લોનીકંદ- થેઉર રોડ પર ઘરે પરત ફરી રહ્યા હતા.
લોનીકંદ- થેઉર હાઈવે પર જોગેશ્વરી મંદિરની સામે કન્ટેનર અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી અને ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગણેશ અને તેના મિત્રોને ગંભીર ઈજાઓ થતાં તેઓ ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં કારનો સંપુર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં ફસાયેલા ચાર લોકોને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગણેશ,વિઠ્ઠલ, વિનોદનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ કન્ટેનર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.