મુંબઇ એરપોર્ટ પર 6.28 કરોડના 7 કિલો સોના સાથે 3 ઇરાનીની ધરપકડ
કપડા નીચે પહેરેલી કમરની બૅગમાં સોનું છુપાવવામાં આવ્યું હતુ
મુંબઈ - મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રૃા.૬.૨૮ કરોડના ૭.૧૪૩ કિલોગ્રામ સોના સાથે ત્રણ ઇરાનીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ડિરેકટોરેટ ઓક રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીએ જણાવ્યું હતું.
દુબઇથી મુંબઇ એરપોર્ટ પર આવેલા ત્રણ ઇરાની નાગરિકોને ચોક્કસ માહિતીના આધારે ડીઆરઆઇની ટીમે અટકાવ્યા હતા. તેમની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન બે પ્રવાસીએ કપડા નીચે પહેરેલી કમરની બૅગમાં સાત સોનાની લગડી મળી હતી. દરેકનું વજન અંદાજે એક કિલો ગ્રામ હતું.
બંને પ્રવાસીએ પૂછપરછમાં ત્રીજા સાથીદારની માહિતી આપી હતી. તેના કહેવા પર પૈસા માટે સોનાની દાણચોરી કરવાની કબૂલાત કરી હતી. આ ત્રીજા આરોપીએ પણ ગુનામાં તેની સંડોવણી સ્વીકારી હતી.
આરોપી ત્રઇપુટીની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સોનાની દાણચોરી નેટવર્કની વધુ તપાસ ચાલુ છે એમ અધિકારીએ જણાવ્યું હતું.