અંધેરી લોખંડવાલાના ફલેટમાં આગમાં વૃદ્ધ દંપત્તિ સહિત 3નાં મોત
રિયા કોમ્પ્લેક્સના 10મા ફલોરના એક ફલેટમાં સવારે આગ લાગી
મોર્નિંગ વોક કરતા લોકોએ ધૂમાડા જોઈ ફાયર બ્રિગેડને જાણ કરી, શિપિંગ કંપનીના માલિક, પત્ની તથા કેરટેકર ભોગ બન્યા
મુંબઈ : મુંબઇના પશ્ચિમી પરા અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આવેલ એક ગગનચુંબી ઇમારતના ૧૦મા માળે આગ ફાટી નીકળતા આ ઘટનામાં વૃદ્ધ દંપત્તિ સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં. એવું કહેવાય છે કે એસી યુનિટમાં શોર્ટ સર્કિટને લીધે આગની ઘટના બની હતી.
અંધેરી-વેસ્ટમાં આવેલાં જાણીતા લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આવેલી પંચીસેક વર્ષ જુની હાઈ રાઈઝ ઈમારત રિયા પેલેસમાં બુધવારે સવારે દસમા ફલોરના એક ફલેટમાં આગ ફાટી નીકળી હતી. સવારના સમયે નીચે વોક કરતાં અમુક રહેવાસીઓનું ફ્લેટમાંથી નીકળતાં ધુમાડા પર ધ્યાન જતાં તાત્કાલિક અલર્ટ થઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર જવાનોએ આગ લેવલ ૧ ની હોવાથી તરત કાબુમાં લઈ લીધી હતી. જોકેઆ ઘટનામાં જખમી થયેલાંસોની પરિવારના સિનિયર સિટિઝન દંપતિ સહિત તેમના કેર ટેકર એમ ત્રણેય જણને પાસે આવેલી કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ, ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઈમારતના અન્ય રહેવાસીઓએ સર્તકતા દાખવી હતી અને તરત જ બધા નીચે આવી ગયા હતા.
સવારે સવા સાત વાગ્યાની આસપાસ આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગ બહુ વિકરાળ ન હતી. પરંતુ, તેમાં બે વરિ નાગરિકો સહિત ત્રણનું મૃત્યુ થયું છે. આગના બનાવમાં આ ફ્લેટમાં રહેતાં ૭૫ વર્ષના ચંદ્રપ્રકાશ સોની તેમના ૭૨ વર્ષના પત્ની કાંન્તા સોની અને છેલ્લા વીસેક વર્ષથી કામ કરતો તેમનો ૪૨ વર્ષનો કેર ટેકર રવિ એમ ત્રણેય જીવ ગુમાવ્યો હતો. આ બનાવ વિશે માહિતી આપતાં ઈમારતના પાંચમા માળે રહેતાં સેક્રેટરી ક્રિશ અરોરાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'સવારના સમયે વોક કરતાં ઈમારતના લોકોનું ફ્લેટમાંથી આવતાં ધુમાડા તરફ ધ્યાન જતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડવાળા પંદરથી વીસ મિનિટની અંદર આવી ગયા અને એકાદ કલાકની અંદર આગ પર કાબુ મેળવ્યો હતો અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ચંદ્રપ્રકાશ સોની નૈનીતાલના છે અને તેમના બન્ને દીકરા સિંગાપુર અને અમેરિકા રહે છે. તેમનો શિપીંગ મેનેજમેન્ટનો મોટો વ્યવસાય પણ છે. લોખંડવાલાના આરએનએ શોપિંગ કોમ્પ્લેક્સમાં એવલોન નામની શિપિંગ કંપનીની માલિકી પણ ધરાવે છે અને દરરોજ તેઓ ઓફિસે જતાં હોય છે. તેમના દીકરાઓ ત્યાંથી વ્યવસાય ઓપરેટ કરે છે જ્યારે કાન્તા બેન સોની ગૃહિણી છે. આગનું કારણ હજુ જાણી શકાયું નથી.
ફાયર બ્રિગેડ વિભાગનું શું કહેવું છે?
જ્યારે વિભાગીય ફાયર ઓફિસર પુરૃષોત્તમ સાંદીકરે આ ઘટના વિશે જણાવ્યું કે 'સવારના સમયે દસમા માળાથી ધુમાડો નીકળતાં ઘટના વિશે રહેવાસીઓને જાણ થઈ હતી. અમે અડધા કલાકમાં આગ બુઝાવી દીધી હતી, ત્યારબાદ કૂલિંગ ઓપરેશનમાં થોડો સમય લાગ્યો હતો. આગમાં સપડાયેલા ત્રણ લોકોને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડાક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બે લોકોનાં દાઝી જવાના કારણે અને ત્રીજાનું ધુમાડો શ્વાસમાં જવાને કારણે મૃત્યુ થયું હતું. ફલેટમાં યોગ્ય વેન્ટિલેશન ન હોવાથી મૃતકને બચાવવાનું પડકારજનક બન્યું હતું. આગનાંચોક્કસ કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે.