અંધેરીમાં મદરેસાના વડા દ્વારા 2 સગીરા સહિત 3નું જાતીય શોષણ
પીડિતો એનજીઓની મદદ લીધા બાદ પોલીસ ફરિયાદ
ઘરે કામ કરવા આવતી મહિલાનું શોષણ કર્યા બાદ તેને 2 સગીરા લાવવાની પણ ફરજ પાડી હતી
મુંબઈ : અંધેરીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૬૦ વર્ષના એક મદરેસાના વડાએ મદરેસામાં કામ કરતી એક મહિલા પર સતત બળાત્કાર કર્યો હતો. આટલેથી ન અટકતા તેણે ૧૩ અને ૧૪ વર્ષની બે સગીરાઓને પણ વાસનાનો ભોગ બનાવી તેમનું જાતીય શોષણ કર્યું હતું. અંતે મહિલાએ એક એનજીઓનો સંપર્ક કર્યા બાદ આ નરાધમ સામે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોકસો કાયદા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સંદર્ભે નોંધાયેલ એફઆઈઆર મુજબ ૩૮ વર્ષની ફરિયાદી મહિલાના બે બાળકો મદરેસામાં શિક્ષણ લઈ રહ્યા હતા. મહિલાએ મદરેસાના વડાને ઘરે નાનું- મોટું કામ કરવાનું શરૃ કર્યું હતું. મહિલાની ફરિયાદ મુજબ તે જ્યારે કામે લાગી ત્યારબાદ ૪ મેથી આરોપી જ્યારે ઉંઘમાં હોય ત્યારે તેની પાસે પહોંચી જતો અને શરીર સુખની માગણી કરતો. જોકે મહિલા મચક ન આપતી હોવાથી આરોપીએ તેના બે બાળકોને ઈજા પહોંચાડવાની ધમકી આપી તેના પર સતત બળાત્કાર ગુજાર્યો હતો.
ઓક્ટોબર મહિનામાં પીડિતા જ્યારે તેના એક બાળક સાથે તેના ગામમાં જવા માગતી હતી ત્યારે તેણે પીડિતાને એકલી ગામમાં જવા મજબૂર કરી હતી અને તે જ્યારે ગામ ગઈ ત્યારે તેને સતત ફોન કરી કોઈ છોકરીને સાથે લઈ આવવા દબાણ કર્યું હતું. જો પીડિતા આવું નહીં કરે તો તેના બન્ને બાળકોને મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીની ધમકીથી ગભરાઈ ગયેલી મહિલા અમુક બહાનું બતાવી એક ૧૩ વર્ષની સગીરાને તેની સાથે લેતી આવી હતી. આ સગીરા પણ આરોપીના ઘરમાં રહેવા લાગી હતી.
નવેમ્બર, ૨૦૨૩માં આરોપી તેની પત્નીને મળવા જમ્મુ- કાશ્મીર ગયો હતો અને વળતી વખતે એક ૧૪ વર્ષની સગીરાને સાથે લઈ આવ્યો હતો. આ બન્ને સગીરા હવે આરોપી સાથે રહેવા માંડી હતી. દરમિયાન વાત- વાતમાં આરોપી આ બન્ને સગીરાનું જાતીય શોષણ કરતો હોવાની ચોંકાવનારી વાત બહાર આવતા મહિલાએ એક એનજીઓનો સંપર્ક કર્યો હતો.
અંતે એનજીઓના પ્રયાસથી ૩ જાન્યુઆરીના રોજ ડીએનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઈપીસીની કલમ ૩૭૬ (૨) (સતત બળાત્કાર ગુજારવો), ૫૦૨ (ગુનાહિત ધાકધમકી) તેમજ પોકસો કાયદાની કલમ ૮ (જાતીય હુમલો) અને ૧૮ (જાતીય સતામણી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુરબાડમાં ૧૪ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનારા બે ઝડપાયાઃ ત્રીજો ફરાર
મુરબાડમાં ૧૪ વર્ષની એક સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે બે નરાધમોની ધરપકડ કરી હતી. જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર ત્રીજો આરોપી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સંદર્ભે મુરબાડના પોલીસ વડા જગદીશ શિંદેએ જણાવ્યું હતું કે પહેલા એક આરોપીએ ૧૪ વર્ષની સગીરાને ભોળવી તેની સામે લગ્ન કરવાની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ સગીરાનો ગેરલાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ સગીરાના વાંધાજનક વીડિયો ઉતારી તેની મદદથી સગીરા પાસેથી ખંડણી પણ પડાવી હતી.