પરેલ બ્રિજ પર ડમ્પરે સ્કૂટરને ટક્કર મારતાં 2 યુવતી સહિત 3નાં મોત
કોલેજકાળના મિત્રો ફરવા નીકળ્યા હતા, સવારે 6 વાગ્યે અકસ્માત
ટ્રીપલ સવારીમાં નીકળ્યા હતા અને કોઈએ હેલ્મેટ પણ પહેરી ન હતી, સ્કૂટર ચાલકને ઝોકું આવી ગયું હોવાનું અનુમાન
મુંબઇ : મુંબઇના પરેલ બ્રિજ પર આજે વહેલી સવારે સ્કૂટર ડિવાઇડર કૂદાવીને સામેથી આવતા ડમ્પર સાથે ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં બે યુવતી અને એક યુવક મોતને ભેટ્યા હતા. અગાઉ કોલેજમાં સાથે ભણતા આ ત્રણ મિત્રો રાતે સ્કૂટર પર ટ્રીપલ સીટમાં ફરવા ગયા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સ્કૂટર ચાલકને ઝોકું આવી જતાં અકસ્માત થયાનું મનાય છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
ભોઇવાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુભાષ બોરાટેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'એન્ટોપહિલમાં રહેતો તનિષ અશોક પતંગે (ઉં.વ.૨૪), માહિમની રહેવાસી રેણુકા તામ્રકર (ઉં.વ.૨૫) અને ચિરાબજાર રહેતી નિકોલ ડાયસનું અકસ્માતમાં ગંભીર ઇજા થતા મૃત્યુ થયું હતું. પરેલ બ્રિજ પર દામોદર હોલ સામે આજે સવારે ૬.૧૫ વાગ્યે આ ઘટના બની હતી.
મૃતક મિત્રો હતા તેઓ અગાઉ કોલેજમાં સાથે ભણતા હતા. તેઓ ગઇકાલે રાતે ફરવા માટે ઘરની બહાર નીકળ્યા હોવાનું કહેવાય છે. મૃતકના પરિવારજનોની પૂછપરછ બાદ પોલીસના ચોક્કસ માહિતી મળી શકશે. સ્કૂટર તનિષ ચલાવી રહ્યો હતો તેણે હેલ્મેટ પહેર્યું નહોતું તેઓ નિયમોનું ઉલ્લંઘન કરીને સ્કૂટર પર ટ્રીપલ સીટમાં પ્રવાસ કરી રહ્યા હતા. આમ તનિષની બેદરકારીને લીધે અકસ્માત થયો હતો.
તેણે સ્કૂટર પરથી કાબૂ ગુમાવ્યો હતો. સ્કૂટર ડિવાઇડર ઓળંગીને સામેના રસ્તા પર ડમ્પરને અડફેટમાં લીધું હતું. તેમને માથા પર ગંભીર ઇજા થઇ હતી અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃતજાહેર કરવામાં આવ્યા હતા. મૃતકમાંથી એક વ્યક્તિ સાકીનાકામાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી. ટુ- વ્હીલર ચાલકને ઝોકુ આવી જતા અકસ્માત થયો હોવાની શંકા છે. આ મામલામાં શરૃઆતમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ પર આ બ્રિજ પર અકસ્માતમાં અનેક જણના મોત થયા છે. આ બનાવ બાદ આજે મુંબઇ પોલીસે ફરી લોકોને સ્પીડમાં અને બેદરકારીપૂર્વક વાહન ન ચલાવવા, બાઇક ચલાવતી વકથે હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે.