પુણેમાં ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પર ડમ્પર ધસી જતાં 2 બાળકો સહિત 3ના મોત
મધરાતે ધસી આવેલાં ડમ્પરની અડફેટે 6 ઘાયલ
અમરાવતીથી કામની શોધમાં 2 જ દિવસ પહેલાં પુણે આવેલા મજૂરો ભોગ બન્યા : ડમ્પર ચાલક પીધેલો હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો દાવો
મુંબઈ : પુણે વિસ્તારના વાઘોલીમાં કેસનંદ ચોક પર રવિવારે મધ્યરાત્રીએ ડમ્પર ચાલકે ફૂટપાથ પર નિંદ્રાધીન લોકોને અડફેટમાં લેતા ૯ લોકો કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત ત્રણના મોત થયા હતા. તો અન્ય છ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે ડમ્પર ચાલક પર બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
આ ઘટના બુધવારે મધ્યરાત્રીએ ૧૨.૫૫ વાગ્યાની આસપાસ વાઘોલી વિસ્તારમાં ફૂટપાથ પર બની હતી. આ અકસ્માતમાં એક વર્ષની વૈભવી પવાર, બે વર્ષનો વૈભવ પવાર અને ૨૨ વર્ષીય વિશાલ વિનોદ પવારનું મોત થયું હતું. જ્યારે ૨૧ વર્ષીય જાનકી પવાર, ૧૮ વર્ષીય રિનિશા પવાર, ૯ વર્ષીય રોશન ભોસલે, ૨૭ વર્ષીય નગેશ પવાર, ૧૮ વર્ષીય દર્શન વૈરાળ તથા ૪૭ વર્ષીય આલિશા પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.પીડીતો અમરાવતીના રહેવાસી હતા. તેઓે મજૂરી કામ માટે તેમના પરિવાર સાથે બે દિવસ પહેલા જ પૂણેમાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટના સમયે ડમ્પર ચાલક દારુના નશામાં ધૂત હતો. તેથી તેણે વાહન પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને ડમ્પર સીધી ફૂટપાથ પર નિંદ્રાધીન લોકો પર દોડાવી દીધી હતી. જેમાં નવ લોકો કચડાઈ ગયા હતા. તો અન્ય કોઈક રીતે ત્યાંથી દૂર જઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
પોલીસે આ કેસમા ડમ્પર ચાલક ૨૬ વર્ષીય ગજાનન તોત્રેની ધરપકડ કરી હતી. ઘટના સમયે તે દારુના નશામાં ધૂત હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કેસનંદ ફાટા વિસ્તાર પાસે ફૂટપાથ પર ૧૨ લોકો રવિવાર ેરાત્રે બાર વાગ્યાની આસપાસ સૂતા હતા. જેમાંથી મોટાભાગના મજૂરો હતા. તો કેટલાક ફૂટપાથની બાજુમાં રહેલા ઝુંપડાઓમાં સૂતા હતા.
અક સ્માતમાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સાસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણની સ્થિતિ હાલ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યુ ંહતું.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ચાલકે વાહન પરનો નિયંત્રણ ગુમાવી બેસતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળથી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસે આ મામલે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.