મંત્રાલયમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ સહિત 3નો ત્રીજા માળેથી સેફ્ટી નેટમાં ભૂસકો
ધાનગર સમાજને આદિવાસી અનામતનો લાભ આપવાનો વિરોધ
નરહરિ ઝિરવાળ સાથે ભાજપના સંસદસભ્ય સાવરા અને અજિત જૂથના અન્ય ધારાસભ્યએ પણ સાથે ઝંપલાવ્યું, દોડધામ મચી
શાસક પક્ષના ધારાસભ્યોનું સરકારમાં કોઈ ન સાંભળતું હોય તો નાગરિકોની શું હાલત હશે ? ઉદ્ધવ જૂથનો ટોણો
વડાપ્રધાન મોદીની મુલાકાતની પૂર્વસંધ્યાએ જ અજિત જૂથના નેતાની હરકતથી શિંદેની શિવસેના નારાજ
મુંબઈ : મહારાષ્ટ્રમાં મંત્રાલય ખાતે સર્જાયેલા એક અનોખા તમાશામાં આજે ખુદ વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાળ સહિત ત્રણે મંત્રાલયમાં ત્રીજા માળેથી સેફ્ટી નેટમાં ભૂસકો માર્યો હતો. ધાનગર સમાજને આદિવાસી ક્વોટા હેઠળ અનામત આપવાની હિલચાલના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હતું. સરકાર તેમની રજૂઆત સાંભળતી નહીં હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ઝિરવાળ સાથે ભાજપના સાંસદ હેમંત સાવરા તથા અજિત જૂથના ધારાસભ્ય કિરણ લહામતે પણ જોડાયા હતા. ભૂતકાળમાં અનેક નાગરિકો મંત્રાલયમાં નીચે ઝંપલાવી આપઘાતન પ્રયાસ કરતા હોવાના બનાવ બન્યા હોવાથી અહીં સેફ્ટી નેટ બાંધવામાં આવી છે. નાગરિકોની જેમ આ નેતાઓ પણ સેફ્ટી નેટમાં જ પટકાયા હતા. પોલીસે તેમને તત્કાળ બહાર કાઢ્યા હતા.
ધનગર સમાજને આદિવાસી ક્વોટામાં સામેલ કરવાના વિરોધમાં ઝિરળાલ સહિતના નેતાઓએ ે મંત્રાલયના ગ્રાઉન્ડ ફલોર પેસેજમાં ધરણા શરૃ કર્યા હતા.આજે કેબિનેટની બેઠક પહેલા મુખ્યપ્રધાનને મળવાનો પ્રયાસ નરહરિ જિરવાળે કર્યો હતો. પરંતુ તેમણે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો ન હતો. આથી તેમણે ઉપરોક્ત કૃત્ય કર્યું હતું.
જો કે કેબિનટે પૂરી થયા બાદ સી.એમ. તેમને તેમના સમાજના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવ્યા હતા. આ મામલે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન નરહરિ જિરવાલે પત્રકારોને જણાવ્યું હતું કે હું પ્રથમ આદિવાસી છ પછી ધારાસભ્ય અને વિધાનસભાનો ઉપાધ્યક્ષ છું. મારા સમાજ સાથે ે અન્યાય થતો હોય તો મારે વિરોધ દર્શાવવો જરૃરી છે. આ સમાજે મને ચૂંટયો છે.
તેમણે ે મહારાષ્ટ્ર પંચાયત (એનુસૂચિત વિસ્તારોના વિસ્તરણ અધિનિયમ (પેસા) હેઠળ ભરતી અટકાવવા સામે પખવાડિયાથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અન્યાય દૂર કરવાની પણ રજૂઆત કરી હતી.
ઝિરવાળના આ કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ઉદ્ધવ જૂથનાં પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યુ ંહતું કે મહાયુતિ સરકારમાં નાગરિકો જેમ શાસક પક્ષના ધારાસભ્યો અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેવા નેતાઓએ પણ આવું પગલું ભરવું પડતું હોય તેનો મતલબ એ કે સરકારમાં તેમને કોઈ સાંભળતું નથી. તો પછી નાગરિકોની શું હાલત હશે.
ભાજપના વિધાન પરિષદના સભ્ય ગોપીચંદ્ર પડાળકરે જણાવ્યું હતું કે ઝિરવાળ બંધારણીય પદાધિકારી છે. આ પગલું અનુચિત છે. આ ઘટના વિશે શિંદે શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું ક ઝિરવાળ સરકારમા છે અને એક જવાબદાર વ્યક્તિ છે. તેમને ખ્યાલ હોવો જોઈએ કે મુખ્યપ્રધાન કેબિનેટની બેઠક બાદ જ રજૂઆતો સાંભળતા હોય છે. તેમણે રાહ જોવાની જરુર હતી.
વિધાનસભાના વિપક્ષ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે વિધાનસભાના ઉપાધ્યક્ષને જો મુખ્ય પ્રધાન મળતા ન હોય તે યોગ્ય નથી. આ પ્રકારનું તેમનું કૃત્ય સરકાર માટે નિંદનીય છે. જો જિરવાળને વિરોધ કરવો પડે તો સામાન્ય જનતા શું અપેક્ષા રાખે.
મંત્રાલયમાં સેફ્ટી નેટ બન્યા પછી ભૂસકા મારવાના સ્ટંટ ઉલ્ટા વધી ગયા
સર્કસમાં વિવિધ ખેલ માટે બંધાયેલી સેફટી નેટની જેમ મંત્રાલયમાં બંધાયેલી સેફટી નેટમાં સરકારથી નારાજ વ્યક્તિઓ કૂદકા મારીને સ્ટંટ કરી રહ્યા છે. આ નેટમાં ઝંપલાવવાથી કોઈને ઈજા થતી નથી પરંતુ પબ્લિસિટી ભરપૂર મળે છે. પણ પોલીસને દોડધામ થઈ પડે છે.