સાંગલીમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ ગળતર થતા 3નાં મોત, 9ને અસર
2 મહિલા તથા સિક્યોરિટી જવાનનાં મોત થયાં
પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ : ફેક્ટરીના માલિક સહિત 5ને ગંભીર અસર થતા આઇસીયુમાં ખસેડાયા
મુંબઇ : સાંગલી જિલ્લામાં આવેલ શાળગાવ એમઆઇડીસીના એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ ગળતર થતા ત્રણના મોત થયા હતા જ્યારે નવને ગેસ ગળતરથી અસર થઇ હતી. આમાંથી પાંચને ગંભીર અસર થતા તેમને વધુ સારવાર માટે આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટનામાં કંપનીના માલિકના પુત્રની હાલત પણ ચિંતાજનક છે. આ ઘટના ગુરૃવારના સાંજે સાડા છ વાગ્યે પ્લાન્ટના રિએકટરમાં બ્લાસ્ટ થયા બાદ બની હતી.
આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે સાંગલી જિલ્લાના કડેગાવ તહેસીલના શાળગાવ એનઆઇડીસીમાં આવેલ મ્યાનમાર કેમિકલ કંપનીમાં ખાતર પ્લાન્ટમાં એક રિએકટરમા ં વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ ગેસ ગળતર થતા પ્લાન્ટના લગભગ ૧૨ જણને ગેસની અસર થઇ હતી આ લોકોને તાત્કાલિક પાસેની સહ્યાદ્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાહતા જ્યાં બે મહિલા કામદારો સુચિતા ઉથળે (૫૦) અને નીલમ રેઠરેકર (૨૬)ના મોત થયા હતા. જ્યારે કંપનીના એક સુરક્ષાકર્મીનું પણ મોત થયું હતું. આ દુર્ઘટનામાં ગેસ ગળતરથી અસર પામનાર નવ જણમાંથી ચાર જણને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જ્યારે પાંચને ગેસની ગંભીર અસર થતા આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કંપનીમાં થયેલ ગેસગળતરમાં કંપનીના માલિકનો પુત્ર પણ ગંભીર ઇજાગ્રસ્ત થયો હોવાથી તેના પર પુણેની એખ હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે.
આ બાબતે વધુ વિગત આપતા સાંગલીના એસપી સંદિપ ઘુગેએ જણાવ્યું હતું કે આ ગેસ એમોનિયા ગેસ હોવાની શંકા છે.