રૃા.16,180 કરોડના પેમેન્ટ ગેટવે ફ્રોડ કેસમાં 3ની ધરપકડ
બેન્ક મેનેજર રહી ચૂકેલા આરોપીનો સાથ મેળવ્યો
એક આરોપીએ ખાતા ખોલવા માટે કેવાયસી વિગતો મેળવી હતી, લાંબા સમયથી ચાલતું હતું કૌભાંડ
મુંબઇ : પેમેન્ટ ગેટવે ફ્રોડ મામલામાં રૃા.૧૬,૧૮૦ કરોડથી વધુની ઉચાપત કરવામાં સામેલ વધુ ત્રણ આરોપીની થાણે પોલીસે ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
નૌપાડા પોલીસ સ્ટેશનમાં ૬ ઓકટોબરને નોંધાયેલી એફઆઇઆરમાં અમોલ અંડલે ઉર્ફે અમનનું નામ હતું. થાણે પોલીસના સાયબર સેલ દ્વારા અમોલની ધરપડ કરાઇ છે.
તેણે કથિત રીતે કેવાયસીની વિગતો મેળવી હતી. એનો ઉપયોગ ખાતા ખોલવા માટે કરાયો હતો. એક કંપનીમાં ભાગીદાર ભાઇંદરમાં રહેતા અનુપ દુબે (ઉ.વ.૨૬) અને મુંબઇના સંજય ગાયકવાડ (ઉ.વ.૪૨)ને ગઇકાલે ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ છેતરપિંડી લાંબા સમયથી થઇ રહી હતી. પરંતુ એપ્રિલ ૨૦૨૩માં કંપનીની પેમેન્ટ ગેટવે સિસ્ટેમ હેક કરવા અને રૃા.૨૫ કરોડની ઉચાપત કરવા બાબતે શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ કેસની દરમિયાન સાયબર સેલની ટીમને રૃા.૧૬,૧૮૦ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોની જાણ થઇ હતી.
નૌપાડા પોલીસે સ્ટેશનમાં પાંચ આરોપી સામે કલમ ૪૨૦, ૪૦૯, ૪૬૭, ૪૬૮, ૧૨૦બી, ૩૪ હેઠળ ગુનો નોંધાયો હતો.
એફઆઇઆર મુજબ આરોપી જીતેન્દ્ર પાંડેએ અગાઉ ૮ થી ૧૦ વર્ષ સુધી બેન્કમાં રિલેશનશીપ અને સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું હતું.
આરોપીઓએ મની લોન્ડરિંગ કરવા માટે બોગસ દસ્તાવેજોથી અનેક કંપની બનાવી હતી. પોલીસે પાંચ કંપનીના ૨૬૦ બેન્ક સ્ટેટમેન્ટની તપાસ કરતા રૃા.૧૬,૧૮૦ કરોડના વ્યવહારો બહાર આવ્યા હતા.