વિદેશ વસતા ભત્રીજાનો અવાજ ક્લોન કરી કાકા સાથે 3.70 લાખની ઠગાઈ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
વિદેશ વસતા ભત્રીજાનો અવાજ ક્લોન કરી કાકા સાથે 3.70 લાખની ઠગાઈ 1 - image


વોઈસ ચેન્જિંગ સોફ્ટવેરની મદદથી અદ્દલ ભત્રીજાનો અવાજ કાઢ્યો

કાકાને કહ્યું, મારું અપહરણ થયું છે, મુક્તિ માટે ખંડણી ચૂકવી દોઃ બાદમાં ભત્રીજાને સામેથી ફોન કર્યો ત્યારે ઠગાઈ ગયા હોવાની ખબર પડી

મુંબઈ :  વિદેશ વસતા ભત્રીજાનો અવાજ કોઈ વોઈસ ચેન્જિંગ સોફ્ટવેરની મદદથી ક્લોન કરી ૩.૭૦ લાખ પડાવી લેવાયા હોવાની ફરિયાદ અંધેરીમાં વસતા ૬૯ વર્ષીય કાકાએ નોંધાવી છે. આ વૃદ્ધને અદ્દલ તેમના ભત્રીજાના અવાજમાં જ વ્હોટસ પર કોલ આવ્યો હતો અને તેમાં તેનું અપહરણ થયાનું જણાવ્યુ ંહતું. છૂટકારા માટે મદદના બહાને વૃદ્ધ પાસે બેન્ક ખાતાંમાં ૩.૭૦ લાખ જમા કરાવી લેવાયા હતા. 

આ સંદર્ભે વધુ વિગતાનુસાર અંધેરીના જે.બી. નગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ ફરિયાદી વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. ૧૫ જાન્યુઆરીના સવારે તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામે તેમના મોટાભાઈનો પુત્ર જે વિદેશમાં રહે છે તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. ભત્રીજાએ વૃધ્ધ કાકાને જણાવ્યું હતું કે તે ૨૨ જાન્યુઆરીના રોજ બિઝનેસના કામ માટે ભારત પાછો આવી રહ્યો છે. આ સાથે જ તેણે ફરિયાદીને જણાવ્યું હતું કે તેણે તેમના બેન્ક ખાતામાં ૧૦ લાખ રૃપિયા જમા કરાવ્યા છે પણ હાલ આ વાતની જાણ તેના પિતાને કરવાની નથી.

આ દિવસે બપોરે ફરી તેમને ભત્રીજાનો ફોન આવ્યો હતો અને તેણે ૧૦ લાખ રૃપિયા જમા કરાવી દીધા હોવાનું જણાવી આ રકમ આગામી ૨૪ કલાકમાં ખાતામાં જમા થઈ જશે તેવું સ્પષ્ટ કર્યું હતું.

એફઆઈઆર અનુસાર આ દિવસે જ સાંજે ફરિયાદી જ્યારે અમુક કારણસર દક્ષિણ મુંબઈમાં ગયા હતા ત્યારે ફરીથી તેમના ભત્રીજાનો ફોન આવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેનું એક વ્યક્તિએ અપહરણ કરી લીધું છે અને આ વ્યક્તિના ચુંગાલમાંથી છૂટવા તેને ખંડણીની રકમ ચૂકવવી પડે તેમ છે. જો આમ નહીં કરવામાં આવે તો આ વ્યક્તિ તેનો પાસપોર્ટ નષ્ટ કરી નાંખશે તેથી તેણે જે ૧૦ લાખની રકમ મોકલી છે. તેમાંથી રૃ.૩.૭૦ લાખની રકમ જે બેન્ક એકાઉન્ટ આપ્યો છે તેમાં સત્વરે ટ્રાન્સફર કરે.

આ વાતથી ગભરાઈ ગયેલા ફરિયાદીએ તરત જ આપેલા ખાતામાં રૃ.૩.૭૦ લાખની રકમ જમા કરાવી દીધી હતી. ત્યારબાદ ફરિયાદીએ જ્યારે ભત્રીજાને ફોન કરી આ વાત જણાવી ત્યારે તેનો ટોન અલગ લાગ્યો અને આ વખતે ફરિયાદીને શંકા ગઈ હતી. ફરિયાદીએ બેન્કમાં પૈસા જમા થયા હોવાની વિગત જ્યારે તેના ભત્રીજાના રેગ્યુલર મોબાઈલ નંબર પર શેર કરી ત્યારે સામેથી તેણે ફરિયાદીને શા માટે આ પૈસા જમા કરાવ્યા છે તેવો પ્રશ્ન પૂછયો હતો. ફરિયાદીએ પછી ભત્રીજાનો મોબાઈલ પર કોલ કરતા સ્પષ્ટતા કરી ત્યારે ફરિયાદીએ તેમની સાથે થયેલી છેતરપિંડીની જાણ ભત્રીજાને કરતા તે પણ ચોંકી ઉઠયો હતો. આ ઘટના બાદ 'ક્લોન વોઈસ'થી છેતરાયેલા ફરિયાદીએ અંધેરી પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટર સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે ફ્રોડસ્ટરે ફરિયાદીથી પરિચિત હોઈ તેમના બેકગ્રાઉન્ડ વિશે સુપેરે પરિચિત હોવાની શક્યતા છે. ફ્રોડસ્ટરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી વોઈસ ચેન્જીંગ સોફટવેરની મદદથી આ ફ્રોડ આચર્યું હોવાનું શક્યતા છે.  પોલીસે જે બેન્ક ખાતામાં પૈસા જમા થયા છે તેની વિગત મેળવી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News