મરાઠા આંદોલનમાં ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા 29 પોસ્ટ દૂર કરાવાઈ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
મરાઠા આંદોલનમાં ઉશ્કેરણીજનક  સોશિયલ મીડિયા 29 પોસ્ટ દૂર કરાવાઈ 1 - image


પોસ્ટ થયાના ગણતરીના કલાકોમાં જ દૂર કરવાની ફરજ પાડી 

હિંસા ભડકાવી શકે તેવી અને વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

મુંબઇ :  સમગ્ર મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગણીને લઇ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉદ્ભવેલી છે તેવામાં સોશિયલ મીડિયા પર મૂકાતી હિંસા ભડકાવે તેની વાંધાજનક પોસ્ટ પર સાયબર પોલીસ નજર રાખી રહી છે. આવી ૨૯ પોસ્ટ પોલીસે દૂર કરાવી હતી. 

મહારાષ્ટ્ર સાયબર પોલીસે ગણતરીના કલાકોમાં ૨૯થી વધુ વાંધાજનક પોસ્ટ દૂર કરી હતી. આ સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બધી પોસ્ટ અત્યંત વાંધાજનક હોઇ ક્યારે પણ હિંસા ભડકાવી શકે તેવી હતી. તેથી આ તમામ પોસ્ટ સર્વિસ પ્રોવાઇડર તેમજ અન્ય નેટવર્કની મદદથી આ પોસ્ટ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી હતી. 

આ  સંદર્ભે વધુ વિગત આપતા અધિકારીએ જણાવ્યું હતું કે અમૂક પોસ્ટમાં અમૂક રાજકારણીઓ વિશે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારે અમૂક પોસ્ટની ભાષા અત્યંત ખરાબ અને અપશબ્દો ભરેલી હોઇ તેમા અમૂક ટોચના રાજકારણી અને નેતાઓનો મોર્ફ કરેલા ફોટાઓ વાપરવામાં આવ્યા હતા.

રાજ્ય સાયબર પોલીસ વિભાગ જિલ્લા પોલીસ સાથે સતત સંપર્કમાં છે અને માહિતીની આપ-લે સાથે આ પ્રકારની પોસ્ટ બાબતે અધિકારીઓ વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. આ બાબતે રાજ્ય સાયબર વિભાગના સૂત્રોનુસાર સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખનાર સાયબર વિભાગને જો કોઇ વાંધાજનક પોસ્ટ નજરે પડે તો આવી વ્યક્તિને આ પ્રકારની પોસ્ટ ફરીથી ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. જો તેમ છતાં તે વ્યક્તિ આ પ્રકારની પોસ્ટ જાણી જોઇને મૂકતો હોવાનું જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનું વલણ પોલીસે લીધું છે.  પોલીસે આવા તત્વો સામે એફઆઇઆર જ નોંધવાની તૈયારી કરી છે. જે વિસ્તારમાંથી હિંસાની ઘટના  બહાર આવી રહી છે તેવા જિલ્લાના એસપીને તેમના સોશિયલ મીડિયા સેલને સાબદા રહેવાની તાકિદ કરવામાં આવી છે.



Google NewsGoogle News