મલાડમાંથી 285 લિટર ભેળસેળિયું દૂધ જપ્ત કરાયું
ઉત્સવોની સિઝનમાં મોટાપાયે ભેળસેળ
નામાંકિત કંપનીઓના દૂધમાં ભેળસેળ કરતા 2 દૂધવિક્રેતાઓની અટક કરાઈ
મુંબઈ : ગણેશોત્સવમાં દૂધ અને ડેરી પ્રોડક્ટમાં થતી ભેળસેળ રોકવા ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. તેમાં તાજેતરમાં મુંબઈમાંથી ૨૮૫ લિટર ભેળસેળિયું દૂધ જપ્ત કરી તેને નષ્ટ કરવામાં આવ્યું હતું અને આ પ્રકરણે બે જણ સામે કાર્યવાહી કરાઈ છે.
દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમ્યાન વિવિધ ઉત્સવો ઉજવાય છે. તે દરમ્યાન દૂધ, દૂધમાંથી બનતી મિઠાઈ, માવા, પનીર વગેરેની મોટી માગણી હોય છે. આ માગને પહોંચી વળવા તેમજ વધુ નફો કમાવવાના હેતુસર ખાદ્યપદાર્થોમાં મોટે પાયે ભેળસેળ કરવામાં આવે છે. એફડીએએ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે પહેલી સપ્ટેમ્બરથી વિશેષ મોહિમ હાથ ધરી છે. જે મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે.
તે હેઠળ જ મુંબઈના મલાડમાં બે દૂધ વિક્રેતાઓ પર છાપો મારતાં અમુલ, ગોકુળ, મહાનંદા જેવી નામાંકિત કંપનીઓના દૂધમાં ભેળસેળ કરાતી હોવાનું જણાયું. આ પ્રકરણે ૩૮ વર્ષીય સૈદુલની અટકાયત કરી તેની પાસેથી ૭,૨૨૨ રુપિયાની કિંમતનું ૧૨૨ લિટર દૂધ જપ્ત કરાયું. તો ૫૨ વર્ષીય શ્રીનિવાસુલૂ પાસેથી ૯,૮૦૬ રુપિયાની કિંમતનું ૧૬૩ લિટર દૂધ જપ્ત કરાયું હતું. જપ્ત કરાયેલ દૂધના નમૂના તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી બાકીનું દૂધ નષ્ટ કરવામાં આવ્યું હતું.