મુંબઈમાં નવા વર્ષની ઉજવણી વખતે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ બદલ 283 ચાલક સામે કેસ
હોટેલ-ક્લબોમાં તેમ જ ગેટ-વે -ચોપાટી પર ભીડ
નાકાબંધીમાં 9025 વાહનોની તપાસ
મુંબઇ : મુંબઈ પોલીસે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૃના નશામાં વાહનો ચલાવવા બદલ ૨૮૩ લોકો સામે કેસ નોંધ્યો છે. આ સિવાય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનારા અન્ય વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર પોલીસને ચુસ્ત બંદોબસ્ત હોવાથી ન્યૂ યર સેલિબ્રેશન વખતે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી, એમ કહેવાય છે.
ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ, ગિરગામ ચોપાટી અને અન્ય સ્થળોએ રવિવારે રાતે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નવા વર્ષના સેલિબ્રેશન કરવા માટે હજારો મુંબઈગરાઓ ભેગા થયા હતા. ઘણા લોકોએ જાણીતા સિદ્ધિવિનાયક અને મુંબાદેવી મંદિર, ચર્ચ સહિત ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કર્યું હતું.
શહેરની વિવિધ હાઇસિંગ સોસાયટીઓમાં અને બિલ્ડિંગોના ટેરેસ પર પણ ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યારે પોલીસના ટ્રાફિક વિભાગે સોમવારે સવારે ૮ વાગ્યા સુધી ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ ઝુંબેશ હાથ ધરી હતી. શહેરના વિવિધ મહત્ત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શહેરમાં ૨૨ ડીસીપી, ૪૫ એસીપી, તમામ પોલીસ સ્ટેશનોના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર, ૪૫૦ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧૬૦૧ અન્ય અધિકારીઓ, ૧૧,૫૦૦ પોલીસ કોન્સ્ટેબલોએ ખડેપગે સુરક્ષાની દેખરેખ રાખી કોઈ અપ્રિય ઘટના બનવા દીધી નહોતી.
આ બંદોબસ્ત દરમિયાન તમામ પોલીસ સ્ટેશનની હદમાં ૧૧૨ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી. તેમ જ ૯૦૨૫ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને અન્ય વાહનોની તપાસ કરવામાં આવી હતી.
પોલીસે હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવનારા ૨૪૧૦ ચાલક, વિરુદ્ધ દિશામાં વાહન ચલાવતા કુલ ૩૨૦ અને બેદરકારીથી (રેશ ડ્રાઇવિંગ) કરનારા ૮૦ જણ સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ કરતા કુલ ૨૮૩ જણને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે સુરક્ષાના ભાગરૃપે મંદિરો, સંવેદનશીલ વિસ્તાર સહિત ૬૧૮ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.