Get The App

ભારતમાં પહેલીવાર : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લાગશે ભૂકંપ રેટિંગ સ્કેલ, આંચકા આવતા જ અટકશે ટ્રેન

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ભારતમાં પહેલીવાર : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લાગશે ભૂકંપ રેટિંગ સ્કેલ, આંચકા આવતા જ અટકશે ટ્રેન 1 - image


ભૂકંપ આવશે  કે તરત વીજ જોડાણ કપાશે અને બુલેટ ટ્રેન ઊભી રહી જશે

બુલેટ કોરિડોરમાં 22, ભૂકંપની શક્યતા ધરાવતા કચ્છ સહિતના વિસ્તારોમાં 6 સિસ્મોમીટર્સ લાગશેઃ મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિવાર, બોઈસરમાં સ્થપાશે

Ahmedabad Mumbai Bullet Train :  બુલેટ ટ્રેનના માર્ગમાં સુરક્ષા વધારવાના આશયથી ૨૮ સિસ્મોમિટર્સ એટલે કે ધરતીકંપમાપકયંત્રો બેસાડવામાં આવશે તેમ મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અમલ કરી રહેલી નેશનલ હાઇ સ્પિડ રેલ કોર્પોરેશન-એનએચએસઆરસીએલ-દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ૨૮ ધરતીકંપમાપકયંત્રોમાંથી આઠ મહારાષ્ટ્રમાં, ૧૪ ગુજરાતમાં અને બાકીના છ ઇન્લેન્ડ સિસ્મોમીટર્સને ધરતીકંપ જ્યાં વધારે આવવાની સંભાવના હોય એવા પ્રદેશમાં બેસાડવામાં આવશે. 

એનએચએસઆરસીએલ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી યાદીમાં જણાવાયું હતું કે જાપાનીઝ શિંકાનસેન ટેકનોલોજી પર આધારિત અરલી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ બુલેટ ટ્રેનના પ્રવાસીઓની સુરક્ષા અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકશાનથી બચાવવા માટે કાર્યરત કરવામાં આવશે. 

જે ૨૮ સિસ્મોમીટર્સ બેસાડવામાં આવવાના છે તેમાંથી ૨૨ સિસ્મોમીટર્સ બુલેટ ટ્રેનના માર્ગમાં બેસાડવામાં આવશે જ્યારે બાકીના છ  ઇનલેન્ડ સિસ્મોમીટર્સ જ્યાં ધરતીકંપ આવવાની સંભાવના હોય એ પ્રદેશોમાં બેસાડવામાં આવશે. મહારાષ્ટ્રમાં મુંબઇ, થાણે, વિરાર અને બોઇસરમાં આઠ સિસ્મોમીટર્સ બેસાડવામાં આવશે. જ્યારે ગુજરાતમાં વાપી.બિલિમોરા, સુરત, ભરૃચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદમાં કુલ ૧૪ સિસ્મોમીટર્સ બેસાડવામાં આવશે. 

આ સિસ્મોમીટર્સ બુલેટ ટ્રેનના માર્ગમાં આવતાં ટ્રેકશન સબ સ્ટેશનમાં તથા સ્વિચિંગ પોસ્ટસમાં બેસાડવામાં આવશે. જેવી ધરતીકંપની ધુ્રજારી આ સિસ્મોમીટર્સમાં નોંધાશે કે આપોઆપ વીજ જોડાણ કપાઇ જશે. જેવું વીજ જોડાણ કપાઇ જશે કે બુલેટ ટ્રેનને ઇમરજન્સી  બ્રેક વાગી જશે અને ટ્રેન ઉભી રહી જશે. જાપાનીઝ નિષ્ણાતોએ છેલ્લા ૧૦૦ વર્ષમાં જ્યાં ૫.૫ કરતાં વધારે તીવ્રતા ધરાવતાં ધરતીકંપ જ્યાં આવ્યા હોય એવા વિસ્તારોનો સર્વે કર્યો હતો. 

મહારાષ્ટ્રમાં છ ઇનલેન્ડ સિસ્મોમીટર્સ  ખેડ, રત્નાગિરી, લાતુર અને પાનગ્રીમાં બેસાડવામાં આવશે. જ્યારે ગુજરાતમાં આડેસર અને જુના ભુજમાં આ સિસ્મોમીટર્સ બેસાડવામાં આવશે.  



Google NewsGoogle News