Get The App

બાંદરામાં ટેન્કર ચાલકે ટુ વ્હીલરને અડફેટમાં લેતા ૨૫ વર્ષીય મોડલનું મોતઃ એક ઘાયલ

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
બાંદરામાં  ટેન્કર ચાલકે ટુ વ્હીલરને અડફેટમાં લેતા ૨૫ વર્ષીય મોડલનું મોતઃ એક ઘાયલ 1 - image


- અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળથી ફરાર

- ઘટના સમયે પીડીતે વળાંક લેતા સમયે કોઈ સંકેત ન આપતા આ અકસ્માત સર્જાઈ હોવાની આશંકા 

મુંબઇ : બાંદરામાં ટેન્કર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા ૨૫ વર્ષીય મોડેલનું મોત થયું હતું. તો અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલક પર બેદરકારી દ્વારા વાહન ચલાવવા બદલ કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના બાંદરા વેસ્ટમાં ગુરુવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં ૨૫ વર્ષીય શિવાની સિંહનું મોત થયં હતું જે મલાડની રહેવાસી હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી.

ઘટના મુજબ, શિવાની અને તેનો મિત્ર રાત્રે બાઈક પર સવાર થઈને બાંદરામાં ફરી રહ્યા હતા. ઘટના સમયે શિવાની પીલીયન રાઈડર તરીકે  ટુ વ્હીલર પર સવાર હતી. જેમાં ટુ વ્હીલર ડોં.બાબાસાહેબ આંબેડકર રોડ કલંત્રી  ચોક પર  પહોંચતા  વળાંક લેતા સમયે સામેથી  આવતા પાણીના ટેન્કરે  ટુવ્હીલરને જોરદાર ટક્કર મારી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં શિવાની અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા.  જો કે, ટેન્કર ચાલક અકસ્માત બાદ કોઈ પણ મદદ કર્યા વિના ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બાદ સ્થાનિકોએ બંને ઘાયલોને સારવારમ ાટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે, તબીબી તપાસ દરમિયાન શિવાનીને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ,  ટુ વ્હીલર ચાલકે કલંત્રી ચોક  ખાતે આંબેડકર રોડ પર વળાંક લેતી વખતે કોઈ સંકેતો આપ્યા ન હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. 

પોલીસે આ મામલે ટેન્કર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા અને વાહન એક્ટની સંબંધિતની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને ટેન્કર ચાલકની શોધખોળ કરવા પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News