મુંબઈમાં એર ઈન્ડિયાની પાઇલટનો આપઘાત, ભાડાના ફ્લેટમાં ફાંસીના માચડે લટકતો મૃતદેહ મળ્યો
કથિત રીતે માનસિક ત્રાત આપતા 27 વર્ષના મિત્રની ધરપકડ
આરોપી મિત્રને ફોન કરીને આત્મહત્યા કરી રહી હોવાની જાણ કરી
Air India Pilot News | દિલ્હીની 25 વર્ષીય મહિલા પાયલટે પવઇમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે મુંબઇ પોલીસે મૃતકના 27 વર્ષીય મિત્રની ધરપકડ કરી છે. આરોપી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી યુવતીએ આત્મહત્યા કરી હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો છે. યુવતીની હત્યા કરી આત્મહત્યા દર્શાવવાનો પ્રયાસ કરાયો હોવાની મૃતકના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. પોલીસ આ મામલાની તમામ દિશામાં તપાસ કરી રહી છે.
અંધેરી (પૂર્વ)માં મરોળ પોલીસ કેમ્પની પાછળ કનકિયા રેઇન ફોરેસ્ટમાં સૃષ્ટી વિશાલ તુલી (ઉ.વ.25) ભાડાના ઘરમાં રહેતી હતી. યુવતીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.
મૃતક સૃષ્ટીનો મિત્ર આદિત્ય પંડિતે પણ પાયલટ બનવા માટે પરીક્ષા આપી હતી. પરંતુ તે નિષ્ફળ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગોરખપુરથી પરત આવ્યા બાદ રવિવારે તુલીનો આદિત્ય સાથે ઝઘડો થયો હતો. આરોપી આદિત્ય દિલ્હી જવા રવાના થયો હતો. ત્યારે તુલીએ તેને ફોન કર્યો અને તે આત્મહત્યા કરી રહી હોવાનું કહ્યું હતું આથી આદિત્ય ઘરે પાછો આવ્યો હતો પરંતુ તુલીના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેણે ચાવી વાળાને બોલાવીને દરવાજો ખોલ્યો હતો ત્યારે ઘરમાં તુલી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. આદિત્ય તેને હોસ્પિટલમાં લઇ ગયો હતો જ્યાં ડોકટરે તુલીને મૃત જાહેર કરી હતી.
તુલીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે આદિત્ય તેની સાથે બધા સામે મારપીટ કરતો હતો. જેના કારણે તુલી માનસિક તણાવમાં હતી. આદિત્ય તેના અંગત જીવન પર નિયંત્રણ મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યોહતો. તેમજ તેના પર માનસિક દબાણ કરતો હતો.
તુલીના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આદિત્યએ ઝેરી દવા પીવડાવીને કદાચ તુલીનની હત્યા કરી હશે પછી તેણે આત્મહત્યામાં દર્શાવવાનો પ્રયાસ કર્યો હશે.
આ કેસમાં પવઇ પોલીસે આદિત્યની ધરપકડ કરી હતી. કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
આ મામલામાં તુલીનના કાકાની ફરિયાદના આધારે પવઇ પોલીસે કલમ 108 હેઠળ આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ નોંધ્યો છે.