દાદર સ્ટેશન બહાર પ્રવાસીઓને લૂંટતા ટેક્સીવાળાઓને 25 હજાર દંડ
ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ
છેલ્લા અનેક વર્ષોથી સ્ટેશન બહાર આ ટેક્સીવાળાઓની દાદાગીરી
મુંબઇ : દાદર ટર્મિનસની બહાર પેસેન્જરો પાસેથઈ બેફામ ભાડાં પડાવતા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ટેક્સીવાળાઓ વિરુદ્ધ આકરા પગલાં લઇને આરટીઓની ટીમે ગઇ કાલે પચ્ચીસ હજાર રૃપિયાનો દંડ કર્યો હતો.
ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ટ્રેનો દાદર સ્ટેશને આવે ત્યારે કેટલાય ટેક્સીવાળા પ્લેટફોર્મ ઉપર પહોંચી જતા હોય છે અને મીટર મુજબ ભાડું નક્કી કરવાને બદલે મીટરથી વધુ રકમનું ભાડું અડસટ્ટે નક્કી કરે છે. આમા મુંબઇના અજાણ્યા પ્રવાસીઓ તેમની જાળમાં આબાદ ફસાઇ જતા હોય છે. બીજું આ ટેક્સીવાળા લાઇનમાં ઉભા નથી રહેતા. નજીકના અંતરે આવવાની ના જ પાડી દે છે. ઉપરાંત ટ્રાફિકના નિયમોનો પણ ભંગ કરે છે.
ઉહાપોહ બાદ આરટીઓની બે ફ્લાઇંગ સ્કવૉડ સ્પોટ ઉપર પહોંચી ગઇ હતી અને ૧૧ ટેક્સીચાલકોને સપાટામાં લઇ ૨૫ હજારનો દંડ વસૂલ કર્યો હતો. આમાં અમ ુક ટેક્સીની ફિટનેસની મુદત પૂરી થઇ ઙતી, વાહનના વીમાની મુદત પૂરી થઇ હતી, કેટલાક ટેક્સી ડ્રાઇવરો યુનિફોર્મ વગર હતા, એકાદ ટેક્સીવાળા પાસે તો વાહનને લગતા કાગળપત્ર પણ મળ્યા નહોતા. ઉપરાંત ચાલકો મીટરનો ઉપયોગ કરતા ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
યુનિફોર્મ વગર જાપતો રાખતા ફ્લાઇંગ સ્કવૉડના એક અધિકારીએ ટેક્સીવાળાને મીટર પ્રમાણે આવવા કહ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે મીટર સે નહીં, ફિક્સ રેટ એ ચલના હૈ તો બોલો... આટલું કહેતાની સાથે જ તેને પકડવામાં આવ્યો હતો અને બીજા ૧૧ ટેક્સીવાળાને પણ પકડવામાં આવ્યા હતા. આરટીઓ દ્વારા દાદરના ટેક્સીવાળાઓ સામે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે એમ ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભિમાનવારે જણાવ્યું હતું.