600 લોડરની જગ્યા માટે 25 હજાર ઉમેદવારો ઉમટી પડતાં ભારે ધાંધલ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
600 લોડરની જગ્યા માટે 25 હજાર ઉમેદવારો ઉમટી પડતાં ભારે ધાંધલ 1 - image


યુવકોને ઈન્ટરવ્યૂ વિના જ રિઝ્યૂમ લઈ પાછા મોકલી દેવા પડયા

કાલીનામાં એર ઈન્ડિયા દ્વારા યોજાયેલી ભરતી ટાણે  ધક્કામુક્કીઃ  વહેલી સવારથી ખાધાપીધા વિના આવેલા હજારો યુવકોને ધરમધક્કો

મુંબઇ :  મુંબઈના કાલીના ખાતે એર ઇન્ડિયામાં ૬૦૦ લોડરોની મેગા ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં ૨૫ હજાર થી વધુ ઉમેદવારો ઉમટી પડતા મોટી અંધાધૂધી સર્જાઇ હતી અને ધક્કા-મુક્કી થઇ હતી. સદભાગ્યે કોઇ મોટી દુર્ઘટના બની નહોતી.  છેવટે આયોજકોએ વોક ઈન ઈન્ટરવ્યૂ  યોજ્યા વિના જ ઉમેદવારોને માત્ર રિઝ્યૂમ સ્વીકારી પરત મોકલી દીધા હતા. 

વોક ઇન ઇન્ટરવ્યૂમાં એક સાથે પચ્ચીસ  હજાર ઉમેદવારો મુંબઇ એરપોર્ટ પર ઉમટી પડતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઇ ગઇ હતી અને એરપોર્ટ આથોરિટી તેમજ એર ઇન્ડિયાના કર્મચારીઓને આ સ્થિતિ સંભાળવામાં નાકે દમ આવી ગયો હતો. આ બાબતે ધક્કા-મુક્કીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઉમેદવારો ફોર્મ મેળવવા કાઉન્ટર પર પહોંચવા માટે એકબીજા સાથે ધક્કા-મુક્કી અને હુસાતુસી કરતા જોવા મળ્યા હતા. હજારો ઉમેદવારો ખાધા- પીધા વગર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા ઘણા ઉમેદવારો ની તબિયત બગડી હોવાની પણ માહિતી મળી હતી. 

 પ્રાપ્ત વિગતાનુસાર એર-ઇન્ડિયા તરફથી હાલ લોડરની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિમાનમાં સામાન ચડાવવા ઉતારવા તેમજ બેગેજ બેલ્ટ અને રેમ્પ ટ્રેકટર ચલાવવાનું કામ લોડરોને આપવામાં આવે છે. દરેક વિમાનમાં સામાન મૂકવા, માલની હેરફેર તેમજ ખાદ્ય પુરવઠો પહોંચાડવા સહિતના અન્ય કામો માટે ઓછામાં ઓછા પાંચ લોડરની જરૃર પડે છે. 

એર ઇન્ડિયા તરફથી મુંબઇના કાલીના ખાતે એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસિસ લી ખાતે ગેટ નંબર  પાંચ બહાર ૬૦૦ લોડરોની જગ્યા ભરવા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. આ સમયે મુંબઇ સહિત મહારાષ્ટ્રના વિવિધ ગામ-શહેરોમાંથી લગભઘ ૨૫ હજાર ઉમેદવારો આવી ચડયા હતા. અચાનક આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા આ સ્થળે ઠેર-ઠેર ધક્કા-મુક્કી સર્જાઇ હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઇ હતી. ઉમેદવારોની ભીડને કાબૂમાં રાખવામાં એરપોર્ટ આથોરિટી તેમજ એર ઇન્ડિયાના પ્રશાસનને નાકે દમ આવી ગયો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતા અંતે ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવાની જગ્યાએ તેમના બાયો-ડેટા જમા કરી તેમને એરપોર્ટ વિસ્તાર ખાલી કરવા જણાવાયું હતું.

એર ઇન્ડિયા તરફથી લોડર સહિત વિવિધ પદો માટે કુલ ૨૭૦૦ જગ્યા ભરવામાં આવવાની છે આ ભરતી તબક્કાવાર હાથ ધરાવાની છે.



Google NewsGoogle News