ક્રિપ્ટોમાં ડબલ નફાની લાલચે 25 લાખ ગુમાવ્યા

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ક્રિપ્ટોમાં ડબલ નફાની લાલચે 25 લાખ ગુમાવ્યા 1 - image


- પુણેના એન્જિનિયર સાથે ઠગાઈ

- સોશિયલ મીડિયા પર ભટકાયેલા ભેજાબાજની જાળમાં યુવક ફસાયો

મુંબઇ : નાશિકમાં રહેતા અને પુણેની એક પ્રખ્યાત કંપનીમાં નોકરી કરતા એક ૨૬ વર્ષના એન્જિનિયર સાથે એક ફ્રોડસ્ટરે પચ્ચીસ લાખનું ઓનલાઇન ફ્રોડ આચર્યું હતું. ફ્રોડસ્ટરે ભોગ બનેલા એન્જિનિયરનો વોટ્સએપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક સાધી તેને ક્રેપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં ડબલ નફાની લાલચ આપી આ ફ્રોડ આચર્યું હતું.

નાશિકના પંચવટી વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો ફરિયાદી એન્જિનિયર પુણેની એક પ્રખ્યાત કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા એક ફ્રોડસ્ટરે સોશિયલ મીડિયા પર યુવકનો સંપર્ક કર્યો હતો. શરૂઆતની વાતચીત બાદ ફ્રોડસ્ટરે તેને  ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કરી તેને ક્રિપ્ટોમાં રોકાણ કરવાથી ટૂંકા ગાળામાં બમણા પૈસાની લાલચ આપી હતી. ફરિયાદી ફ્રોડસ્ટરની વાતોમાં આવી ગયો હતો અને તેણે યુપીઆઇ તેમજ બેન્ક ટ્રાન્ઝેકશન દ્વારા થોડા જ દિવસોમાં ફ્રોડસ્ટરે કહ્યા મુજબના વિવિધ ખાતામાં પચ્ચીસ  લાખની રકમ મોકલાવી દીધી હતી. આ રકમ મોકલાવી દીધા બાદ ફરિયાદીએ જ્યારે ફ્રોડસ્ટરનો વિવિધ સોશિયલ મીડિયા પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફ્રોડસ્ટરે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. અંતે ઘણા પ્રયત્નો બાદ પણ ફ્રોડસ્ટરનો કોઇ સંપર્ક ન થતા તેને છેતરાયો હોવાની જાણ થતા તેણે આ બાબતે નાશિક પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આઇપીસી અને આઇટી એક્ટ હેઠળ અજાણ્યા ફ્રોડસ્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.


Google NewsGoogle News