ચૂંટણી પંચની નકલી સ્કવોડે કોલ્હાપુરમાં વેપારી પાસે 25 લાખ પડાવ્યા
ચૂંટણી ટાણે આટલી રોકડ લઈ કેમ નીકળ્યા તેમ કહી ધમકાવ્યા
મનોરંજન રાઈડસનો બિઝનેસ કરતા વેપારીને હાઈવે પર ગઠિયા ભટકાયા, દમદાટી આપી રોકડ સાથે મોબાઈલ લઈ ફરાર
મુંબઈ : હાલ સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં કોલ્હાપુરમાં બોગસ ફલાઈંગ સ્કોડે અહીંના એક વેપારીના ૨૫ લાખ રૃપિયા કારની તપાસને નામે પડાવી લીધા હતા. આ બદમાશોએ જાણે તેઓ સાચે જ ચૂંટણી પંચની ફલાઈંગ સ્કોડના સભ્યો હોય તેવું ચિત્ર ઉભું કર્યું હતું અને વેપારીને ઠગી લીધો હતો.
આ ઘટના મંગળવારે પુણે બેંગલુરુ હાઈવે પાસેના એક ફલાયઓવર પાસે બની હતી. આ બાબતે ભોગ બનેલા વેપારીએ ગાંધીનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીઓને પકડી પાડવા પાંચ ટીમો બનાવી છે.
આ સંદર્ભે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ફરિયાદી વેપારી સુભાષ હરણે વિવિધ શહેરોમાં આયોજિત ફન- ફેરમાં જાયન્ટ વ્હિલ સહિત મનોરંજન રાઈડ લગાવવાનું કામ કરે છે. મંગળવારે તેઓ ફનફેરમાંથી મળેલી રૃ.૨૫.૫૦ લાખની રોકડ રકમ કારમાં સાથે લઈ પુણે- બેંગલુરુ હાઈવે પાસેના એક ફલાયઓવર નજીક આવેલ તાવડે હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ૨૫થી ૩૦ વય જૂથના પાંચ વ્યક્તિઓએ તેમને અટકાવ્યા હતા.
આ લોકોએ તેઓ ચૂંટણી પંચની ફલાઈંગ સ્કોડની ટીમના સભ્યો હોવાની જાણ કરી વેપારીની કારની તપાસ હાથ ધરી હતી. વેપારીએ પણ આ લોકોની વાત સાચી માની લીધી હતી.
દરમિયાન વેપારીની કારમાંથી રૃ.૨૫.૫૦ લાખ રૃપિયાની રોકડ ધરાવતી બેગ આ લોકોને મળી આવતા આ બાબતે વેપારીની પૂછપરછ કરી આટલી મોટી રકમ સાથે ચૂંટણી ગાળામાં તેઓ પ્રવાસ ન કરી શકે તેવું કારણ આપી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ લોકો રોકડ સાથે વેપારીને તેમની કારમાં સાથે બેસાડી સરનોબતવાડીની દિશામાં રવાના થયા.
અહીં રસ્તાઓ આ લોકોએ વેપારીનો મોબાઈલ ખેંચી લીધો હતો અને રોકડ રકમ સાથે રફુચક્કર થઈ ગયા હતા. વેપારી હરણેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા તેઓ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ફરિયાદ કરતા પોલીસે પાંચ અજાણ્યા શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા પાંચ ટીમોનું ગઠન કર્યું હતું.