Get The App

25 કરોડની ખંડણીના કેસમાં હજુ 10 જાન્યુ. સુધી વાનખેડેની ધરપકડ નહીં

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
25 કરોડની ખંડણીના કેસમાં હજુ 10 જાન્યુ. સુધી વાનખેડેની ધરપકડ નહીં 1 - image


સોલિસિટર જનરલે સીબીઆઈનો પક્ષ રજૂ કરવા મુદ્દત માગી

વાનખેડેની કેસ રદ કરવાની અરજીઃ ધરપકડ સામે રાહત આપવાનો સીબીઆઈ દ્વારા વિરોધઃ હવે જાન્યુઆરીમાં સુનાવણી

મુંબઈ :  ક્રુઝ ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ સંબંધી રૃ. ૨૫ કરોડની ખંડણીના કેસમાં નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને ધરપકડ સામેની રાહત કોર્ટે ૧૦ જાન્યુઆરી સુધી લંબાવી છે.

સીબીઆઈએ નોંધેલી એફઆઈઆર રદ કરવાની દાદ માગતી વાનખેડેની અરજી પર ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ  સુનાવણી કરવામાં આવશે, એમ ન્યા. નાઈક અને ન્યા.  બોરકરની બેન્ચે જણાવ્યું હતું.

સીબીઆઈના વકિલ કુલદીપ પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે સોલિસિટર જનરલ તુષાર મહેતા સીબીઆઈ વતી ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ દલીલ કરશે. વાનખેડેના વકિલ આબાદ પોન્ડાએ જણાવ્યું હતું કે તેઓ ૧૦ જાન્યુઆરીએ દલીલ કરશે.

 વાનખેડેને ધરપકડ સામે અપાયેલા રક્ષણને પાછું ખેંચવા સીબીઆઈએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. હવે કોર્ટે આ રક્ષણ ૧૦ જાન્યુઆરી સુધી આગામી સુનાવણી સુધી કાયમ રાખ્યું છે.

આગાઉ વાનખેડેની ધરપકડ કરવા અંગે સીબીઅઈએ મગનું નામ મરી નહીં પાડતાં કોર્ટે એજન્સીને ઝાટકી હતી. સીબીઆઈને સંતાકુકડીનો ખેલ નહીં કરવાનું જણાવીને કોર્ટે  વાનખેડેને વચગાળાનું રક્ષણ આપવું કે પાછું ખેંચવું તેનો નિર્ણય લેવા પૂર્વે સીબીઆઈને કેસ ડાયરી રજૂ કરવા જણાવ્યું હતું.

સીબીઆઈએ વાનખેડે પર ગુનો દાખલ કરતી વખતે ગૃહ ખાતાની મંજૂરી લેવાઈ છે પણ વાનખેડે રેવેન્યુ સર્વિસ અધિકારી હોવાથી તેમને મંજૂરી આપવાનો અખત્યાર મહેસૂલ ખાતાનો છે. તેઓ પોલીસ અધિકારી નહીં પણ મહેસૂલ અધિકારી છે, એવી દલીલ વાનખેડે તરફથી કરવામાં આવી હતી.

કોર્ટને સીબીઆઈના વકિલે જણાવ્યું હતું કે આકરા પગલાં નહીં લેવાના આદેશથી તપાસ એજન્સી પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય છે. તમે નોટિસ આપી હોય તો તમે  ધરપકડ કઈ રીતે કરી શકો? આથી નિવેદન કરો ત્યાં સુધી તમે ધરપકડ કરી શકશો નહીં, એમ બેન્ચે એજન્સીને જણાવ્યું હતું. 


Google NewsGoogle News