મુંબઇમાં એક વર્ષમાં 2468 રેલવે પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો
મહાનગરની લાઇફ લાઇન બની ડેથ લાઇન
ભીડમાં લટકીને પ્રવાસ કરવાની મજબૂરી, પાટા ઓળંગતી વખતે તેમ જ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડીને મોત : રોડના સરેરાશ ૬ પેસેન્જરો મોતને ભેટયાજ
મુંબઇ - મુંબઇની લાઇફ લાઇન ગણાતી સબર્બન ટ્રેન સેવા ડેથ લાઇન બની ગઇ છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન રોજના સરેરાશ પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા. આમ વર્ષ દરમિયાન ૨૪૬૮ પેસેન્જરો જુદા જુદા અકસ્માતોમાં માર્યા ગયા હતા અને ૨૬૯૭ પ્રવાસી ઘાયલ થયા હતા.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) તરફથી આરટીઆઇ કાર્યકર્તા સમીર ઝવેરીને આપવામાં આવેલી માહિતી મુજબ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં પાટા ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવીને, અસહ્ય ભીડમાં લટકીને પ્રવાસ કરતી વખતે થાંભલા સાથે અથડાઇને અથવા તો પાટા ઉપર પટકાઇને ઇલેક્ટ્રિક કરન્ટ લાગવાથી તેમ જ આત્મહત્યાના કારણસર આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માર્યા ગયા હતા.
સેન્ટ્રલ રેલવેમાં વધુમાં વધુ ૩૩૩ પ્રવાસીના મૃત્યુ કલ્યાણ વિભાગમાં અને વેસ્ટર્ન રેલવેમાં વધુમાં વધુ ૨૩૪ પ્રવાસીના મૃત્યુ બોરાવલી વિભાગમાં નોંધાયા હતા. ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવ્યા પછી રેલવે પ્રવાસીઓની સમસ્યાને વાચા આપવા માટે એકધારી લડત આપતા આરટીઆઇ એક્ટીવીસ્ટ સમીર ઝવેરીએ જણાવ્યું હતું કે રેલવે તંત્ર એરકંડિશન લોકલો અને હાઇફાઇ ટ્રેનો દોડાવવા પાછળ કરોડો રૃપિયા ખર્ચે છે તેને બદલે અસહ્ય ભીડમાં ભીંસાઇને પ્રવાસ કરવા મજબૂર સર્વસામાન્ય પ્રવાસીઓની હાલત સુધારવા પ્રયાસ કરવા જોઇએ. કારણ કે ભીડને ભોગે જ કેટલાય લોકો જીવ ગુમાવે છે અને જખમી થાય છે.
તેમણે સૂચવ્યું હતું કે ભીડને પહોંચી વળવા બધી લોકલ ટ્રેનો ૧૫ ડબ્બાની કરવી જોઇએ, ચેન પુલિંગ જેવી જૂની સિસ્ટમ કાઢીને ટોક- બેક જેવી આધુનિક સિસ્ટમ ટ્રેનોમાં ગોઠવવી જોઇએ, તેમ જ 'ઝીરો ડેથ'નું લક્ષાંક સિદ્ધ કરવા તરફ વધુમાં વધુ ધ્યાન આપવું જોઇએ.