નાગપુરમાં એટીએમ તોડી 24 લાખની ઊઠાંતરી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
નાગપુરમાં એટીએમ તોડી 24 લાખની ઊઠાંતરી 1 - image


- મહારાષ્ટ્રમાં એટીએમ તસ્કરો પેધા પડયા

- બે બુકાનીધારીઓએ ગેસકટરથી એટીએમ તોડી રોકડ ઉઠાવી લીધી

મુંબઇ : નાગપુરના હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ડોંગરગાવ ખાતેના બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડી ચોરટાઓ ૨૪ લાખની રોકડ ઉપાડી ગયા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. આ ઘટના બાદ પોલીસે અજાણ્યા ચોરટાઓ સામે ગુનો નોંધી તેમને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે.

આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડોંગરગાવમાં બેન્ક ઓફ ઇન્ડિયાનું એક એટીએમ આવેલું છે. શુક્રવારે મધરાતે બે ચોરટાઓ બુકાની પહેરી અહીંના  એટીએમ સેન્ટરમાં ઘુસ્યા હતા. આરોપીઓ તેમની સાથે ગેસ કટર સહિત જરૂરી ઉપકરણો પણ  લાવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં આ બન્ને ચોરટાઓ  એટીએમ મશીન તોડી તેમાથી રોકડ રકમ લઇ જતા સ્પષ્ટ નજરે પડે છે. આ લોકોએ ૨૪.૨૧ લાખની રોકડની ચોરી કર્યા બાદ અન્ય એક રુમનું તાળું તોડી અહીંથી નેટવર્ક મોડેમ પણ ચોરી લીધું હતું.

આ ઘટના બાદ એટીએમનું સંચાલન કરતી એજન્સી ઇલેકટ્રોનિક પેમેન્ટ સર્વિસ પ્રા.લી.ના જનરલ મેનેજર જિતેન્દ્ર બસાખેત્રે (૩૫)ની ફરિયાદને આધારે હિંગણા પોલીસે આઇપીસીની કલમ ૪૫૭, ૩૮૦,૩૪ હેઠળ અજાણ્યા ચોરટાઓ સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે.


Google NewsGoogle News