Get The App

મહારાષ્ટ્રમાં એનડીએને 23 સીટનો ફટકોઃ તોડફોડની રાજનીતિને જાકારો મળતાં ઉદ્ધવ-શરદ પવાર ફાવ્યા

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં એનડીએને 23 સીટનો ફટકોઃ તોડફોડની રાજનીતિને જાકારો મળતાં ઉદ્ધવ-શરદ પવાર ફાવ્યા 1 - image


એનડીએની 41 બેઠક હતી તે આ વખતે સેના અને એનસીપીમાં ભાગલા બાદ ઘટીને  18 થઈ  

એકનાથ શિંદે અને અજિત પવારને બળવાની સજા મળી, ઉદ્ધવ અને શરદ પવાર તરફ લોકોની સહાનુભૂતિ વળીઃભાજપનીસીટ 23માંથી ઘટીને 10 રહીઃ ડુંગળીના ખેડૂતોનો રોષ, મરાઠા આંદોલને પણ ભાગ ભજવ્યોં

મુંબઈ :  આ લોકસભા ચૂંટણીમાં શરુઆતમાં જ્યારે ચૂંટણી સાવ એકતરફી છે તેમ મનાતું હતું ત્યારે પણ મોટાભાગના રાજકીય નિરીક્ષકો માનતા હતા કે મહારાષ્ટ્ર ભાજપના વડપણ હેઠળના એનડીએની ગણતરીઓ ઊંધી વાળી શકે છે. આ ધારણાઓ સાચી પડી છે. ૨૦૧૯માં ભાજપ અને અવિભાજિત શિવસેનાની યુતિએ ૪૮માંથી ૪૧ બેઠકો જીતી ડંકો વગાડયો હતો તેની સામે આ વખતે ભાજપ તથા એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના એનડીએને માત્ર ૧૮ બેઠકો મળી છે. ભાજપની બેઠક ૨૩માંથી ઘટીને ૧૦ થઈ ગઈ છે અને શિવસેના માત્ર સાત  બેઠક અને અજિત પવારની એનસીપી તો માત્ર એક જ બેઠક મેળવી શક્યાં છે. તેની સામે કોંગ્રેસે ૧૩, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ નવ અને શરદ પવારની એનસીપીએ સાત એમ મહાયુતિએ કુલ ૨૯ બેઠક મેળવી શાસક મહાયુતિને ભારે મોટી પછડાટ આપી છે.  દેખીતી રીતે જ મહારાષ્ટ્રના લોકોએ ભાજપને એનસીપી અને શિવસેનામાં ફાટફૂટ પડાવી ઉદ્ધવ સરકારનું પતન નોતરવા જેવી તોડફોડની સજા આપી છે જ્યારે બીજી તરફ ઉદ્ધવ ઠાકરે તથા શરદ પવારને એમનો પક્ષ અને ચૂંટણી ચિહ્ન છિનવાઈ ગયાં તે બદલ લોકોની સહાનુભૂતિ મળી છે. 

ોકસભા ચૂંટણી જાહેર થઈ તે પહેલાંથી ભાજપે મહારાષ્ટ્રમાં મિશન ૪૫ની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્ર લોકસભામાં બેઠક સંખ્યાની રીતે બીજું સૌથી મહત્વનું રાજ્ય હોવાથી ભાજપે અહીં  એડીચોટીનું જોર લગાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં નવ જ સભા કરી હતી પરંતુ તેને બદલે આ વખતે તેમણે બમણી એટલે કુલ ૧૮ સભા  યોજી હતી. 

મહારાષ્ટ્રને જીતવાની લાંબા ગાળાની નીતિ રુપે ભાજપે સૌથી પહેલાં તો શિવસેનામાં ભાગલા પડાવી ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની સંયુક્ત સરકારનું પતન કરાવ્યું હતું. આ ખેલને એક વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં તો ભાજપે વિપક્ષી મહાવિકાસ આઘાડીને બીજો ફટકો માર્યો હતો અને એનસીપીમાં પણ ભાગલા પડાવ્યા હતા. આમ શિવસેના અને એનસીપી એમ બે મહત્વના વિપક્ષી દળોના ફાડિયાં થતાં વિપક્ષ જાણે વેરવિખેર થઈ જશે અને ચૂંટણી લડવાનું તેનામાં જોર નહીં રહે તેમ માની લેવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે પણ વિધાનસભ્યો તથા સંસદસભ્યોની  બહુમતીને ધ્યાને રાખી  એકનાથ શિંદેની જ શિવસેનાને અસલી શિવસેના ઠેરવી તેને ધનુષ બાણનું અસલી પ્રતીક ફાળવ્યું હતું જ્યારે બાદમાં અજિત પવારની એનસીપી જ અસલી એનસીપી છે તેમ ઠેરવી તેને ઘડિયાળનું ઓરિજિનલ ચૂંટણી પ્રતીક આપ્યું હતુ ં.

પરંતુ, જનતાની અદાલતમાં આ ચુકાદાને બહાલી મળી નથી. મતદારોએ આ ફાટફૂટને સ્વીકારી નથી. અજિત પવાર જેવા નેતા પર એક જમાનામાં ભાજપના જ નેતાઓએ અબજો રુપિયાના કૌભાંડોના આક્ષેપો લગાવ્યા હતા તેમને જ ભાજપની પડખે લેવાનો નિર્ણય ભાજપના કટ્ટર સમર્થકોને પણ ખાસ પસંદ પડયો ન હતો. આ તોડફોડની નીતિના કારણે ઉલ્ટાનું વયોવૃદ્ધ નેતા શરદ પવાર તથા માજી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ભણી લોકોની સહાનુભૂતિ વળી હતી. એનડીએની બેઠક સમજૂતીમાં જે બેઠકો શિંદે તથા અજિત પવારને ફાળે આવી ત્યાં ભાજપના સમર્થક મતદારોએ તેમને મત આપ્યા જ ન હતા જ્યારે બીજી તરફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના મતો અકબંધ રહ્યા હતા અને છેલ્લાં  અઢી વર્ષ કરતાં વધારે સમયથી તેમણે જાળવેલી એકતાના કારણે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ એકબીજાને મતો ટ્રાન્સફર કરવામાં સફળ રહ્યાં હતાં. 

ભાજપે મહત્તમ બેઠકો અંકે કરવા હદ વગરના સમાધાન કર્યાં હતાં. અજિત પવાર, રવિન્દ્ર વાઈકર, યામિની જાધવ, અશોક ચવાણ, ભાવના ગવળી સહિતના નેતાઓને એક સમયે ભાજપે જ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સીબીઆઈ તથા ઈડીના કેસોમાં  ફસાવ્યા હતા. હવે ભાજપે અશોક ચવાણને પોતાની પાર્ટીમાં લીધા અને શિવસેના તથા અજિત જૂથના અન્ય નેતાઓ માટે પણ પ્રચાર કર્યો તે મતદારોને ખાસ રુચ્યું ન હતું. મુંબઈમાં રવિન્દ્ર વાયકર સામે ૫૦૦ કરોડના હોટલ કૌભાંડમાં ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ એફઆઈઆર કરી હતી અને તેમની સામે ઈડી તથા આઈટીની તપાસ કરાવી હતી. યામિની જાધવના શેલ કંપનીઓના રેકેટને ભાજપના નેતાઓએ જ વિધાનસભામાં સૌથી વધુ ગજવ્યું હતું. અશોક ચવાણના આદર્શ કૌભાંડ સામે ભાજપના નેતાઓ જ સૌથી બોલકા રહ્યા હતા. હવે રાતોરાત ભાજપે મતદારોને આ નેતાઓને મત આપવા કહ્યું તે મતદારોએ સ્વીકાર્યું ન હતું. 

લોકસભા ચૂંટણીની બેઠક સમજૂતીમાં ભાજપ અને શિંદે જૂથ વચ્ચે ભારે ડખો થયો હતો. તેના કારણે નાસિક, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ ઉત્તર પશ્ચિમ તથા મુંબઈ સાઉથ સહિતની કેટલીય બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં ભારે વિલંબ થયો હતો. બીજી તરફ ઉદ્ધવ જૂથ તથા કોંગ્રેસ અને શરદ પવાર વચ્ચેની એનસીપી વચ્ચે વહેલી ચૂંટણી સમજૂતી થઈ ગઈ હોવાથી તેમને પ્રચાર માટે પૂરતો સમય મળ્યો હતો. ખુદ અજિત જૂથના નેતા અને રાજ્યના માજી પ્રધાન છગન ભૂજબળે લોકસભા ચૂંટણી વખતે અને મતદાન પછી પણ એકથી વધુ વખત  કહ્યું હતું કે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની જાહેરાત ન કરવી તે ભાજપની સૌથી મોટી સ્ટ્રેેટેજિક ભૂલ હતી અને તેના કારણે મહાયુતિને નુકસાન થયું છે. 

ભાજપે હિંદુત્વના જોરે મહત્તમ મતદારોને આકર્ષવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ, મરાઠા અનામત આંદોલનને કારણએ હિંદુ મતો અકંબધ રહી શક્યા ન હતા. સમગ્ર મરાઠા આંદોલન દરમિયાન એવી છાપ ઊભી થઈ હતી ભાજપના નેતા અને ખાસ કરીને નાયબ મુખ્યપ્રધાન તથા રાજ્યના ગૃહ ખાતાંનો હવાલો ધરાવતા દેવેન્દ્ર ફડણવીસ મરાઠા અનામતની વિરુદ્ધ છે. જાલનામાં મરાઠા આંદોલનના કાર્યકરો પર બેફામ લાઠીચાર્જ થયો તેનું આળ પણ ગૃહપ્રધાન તરીકે ફડણવીસ પર જ આવ્યું હતું. મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે સંખ્યાબંધ વખત ફડણવીસને નિશાન બનાવ્યા હતા. આથી મરાઠા મતદારો ભાજપથી નારાજ રહ્યા હતા. 

મહારાષ્ટ્રમાં ખેડૂતોનો સંતાપણ શાસક એનડીએને નડી ગયો છે. મહારાષ્ટ્રમાં  છેલ્લાં બે વર્ષમાં કપરા દુકાળની સ્થિતિના કારણે વિદર્ભ તથા મરાઠવાડાના ખેડૂતો બેહાલ બની ગયા છે. બીજી તરફ કેન્દ્ર સરકારે શરુઆતમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદતાં અને બાદમાં આ પ્રતિબંધ ઉઠાવ્યો ત્યારે પણ ૪૦ ટકાની નિકાસ ડયૂટી લાદતાં ખેડૂતો ભાજપથી ભારે નારાજ થયા હતા. આ ઉપરાંત  કેન્દ્ર સરકારે ઈથેનોલ મિશ્રણનો ક્વોટા મર્યાદિત કરી દેતાં  શેરડી ઉત્પાદકો પણ નારાજ થઈ ગયા હતા.



Google NewsGoogle News