થાણેના બેકાર યુવકને 23 કરોડની જીએસટીની નોટિસ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
થાણેના બેકાર યુવકને 23 કરોડની જીએસટીની નોટિસ 1 - image


પ્યૂન તરીકે અરજી મગાવી દસ્તાવેજો મેળવી કરોડોના વ્યવહાર

કેવાયસીનો દુરુપયોગ કરી પીડિત યુવાનને નામે કંપની અને બેન્ક એકાઉન્ટ ખોલનાર 7 સામે ગુનો નોંધાયો

મુંબઈ :  થાણેમાં રહેતા એક બેકાર યુવકને ૨૩ કરોડની જીએસટીની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી યુવાન પહેલાં થાણે પાલિકામાં કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરતો હતો પણ તેની નોકરી છુટી જતા તે હાલમાં બેકાર હતો. આ દરમિયાન તેના હાથમાં ૨૪ કરોડની જીએસટીની નોટિસ આવતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અંતે આ બાબતે પાટિલની ફરિયાદને આધારે ચેમ્બુર પોલીસે સાત વ્યક્તિઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે અધિક માહિતી મુજબ પાટીલની નોકરી છૂટી જવાથી તે ૨૦૨૨માં બેકાર બની ગયો હતો. આ દરમિયાન તેણે રસ્તા પર બેન્કમાં કલર્ક અને પ્યુનની નોકરી ખાલી હોવા બાબતની એક જાહેરાત વાંચી હતી. તેણે આપેલ મોબાઈલ નંબર પર ફોન કરતા વૈભવ નામની એક વ્યક્તિએ ફરિયાદીને અરજી સાથે મળવા બોલાવ્યો હતો. આ સમયે તેણે પેનકાર્ડ, આધારકાર્ડ અને તેના નામે બેન્ક ખાતું ખોલવું પડશે તેવું જણાવી અમુક કાગળીયાઓ પર તેની સહી પણ લીધી હતી.

ફરિયાદીને થોડા દિવસ બાદ ફરીથી કોલ આવ્યો હતો અને ત્યારબાદ વીડિયો કોલથી તેનો સંપર્ક કરી તેના આધાર અને પેનકાર્ડ દેખાડવા જણાવાયું હતું. વૈભવે ફરિયાદીને તેની નોકરી પાકી થઈ ગઈ હોવાનું કહી થોડા દિવસમાં નોકરી પર જોડાવાનું જણાવ્યું હતું.

આ તરફ ફરિયાદીના નામે આરોપીઓએ બેન્ક ખાતુ ખોલાવ્યું હતું. અરજી કર્યા બાદ પણ ઘણા દિવસો પસાર થવા છતાં નોકરી ન મળતા ફરિયાદીએ વૈભવનો સંપર્ક કરતા તેણે સતત ઉડાઉ જવાબ આપ્યા હતા. થોડા સમય બાદ ફરિયાદીને શંકા જતાં તે સ્વયં બે બેન્કમાં ગયો હતો અને બેન્કના બન્ને ખાતા બંધ કરાવી દીધા હતા. જોકે આ ઘટનાના એક વર્ષ બાદ તેના હાથમાં ૨૩ કરોડની જીએસટીની નોટિસ આવતા તેને આંચકો લાગ્યો હતો.

આ ઘટના બાદ તે તરત જ મઝગાવના જીએસટી ભવનમાં પહોંચી ગયો ગતો. અહીં વધુ તપાસ કરતા તેના નામે ફ્રોડસ્ટરોએ એક કંપની શરૃ કરી કરોડો રૃપિયાનો આર્થિક વ્યવહાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતના તમામ  કાગળીયા અને વ્યવહારોમાં ફરિયાદીની સહી હોવાથી તેની ફરિયાદના આધારે ચેમ્બુર પોલીસે સાત જણ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે ઉંડી તપાસ હાથ ધરી છે.

ફરિયાદીની જાણ બહાર તેના નામે ખાતાઓ ખોલી કંપની શરૃ કરી કરોડોનો વ્યવહાર થયો હોવાથી આ ફ્રોડમાં બેન્કના અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે તેવી પોલીસને શંકા છે તેમજ આ ફ્રોડમાં કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શંકાથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.



Google NewsGoogle News