પ્રેયસીનાં માતાપિતાને સળગાવનારો 22 વર્ષે ઝડપાયો
- કાંદિવલીમાં આખી હોટલને આગ ચાંપી હતી
- ડબલ મર્ડરના અન્ય સાગરિતો ઝડપાઈ ગયા પણ યુવક 22 વર્ષે પુણેથી પકડાયો
મુંબઇ : મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કાંદિવલીના ડબલ મર્ડર કેસના એક આરોપીની ગુનાના ૨૨ વર્ષ બાદ પુણેથી ધરપકડ કરી હતી.
આ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે યશવંત બાબુરાવ શિંદે નામના આરોપીને પુણેના કોંઢવા વિસ્તારમાંથી પકડી પાડયો હતો.
શિંદે અને તેના ત્રણ સાથીદારોએ મળી વર્ષ ૨૦૦૧માં કાંદિવલી (ઇ)ના ક્રાંતિનગર વિસ્તારમાં કથિત રીતે એક હોટલને આગ ચાપી દીધી હતી જેમાં જહરાબી અબ્દુલ રહેમાન (૪૮) નામની મહિલા અને તેના પતિનું ભૂંજાઇ જવાથી મોત થયું હતું. શિંદેને દંપત્તિ પર રોષ હતો કારણ કે શિંદે દંપત્તીની પુત્રી સાથે પ્રેમસંબંધમાં હતો જ્યારે તેમણે તેના લગ્ન અન્ય સ્થળે ગોઠવી દીધા હતા. આ વાતથી શિંદે ભડક્યો હતો અને આ કમકમાટીભરી ઘટનાને અંજામ આવ્યો હતો.
આ ઘટના બાદ પોલીસે શિંદેના ત્રણ સાથીદારોની ધરપકડ કરી હતી પણ શિંદે ભાગી છૂટયો હતો અને આટલા વર્ષો તેની કોઇ ભાળ મળતી નહોતી. તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને શિંદેના ઠેકાણા વિશે માહિતી મળી હતી અને તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ સંદર્ભે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.