Get The App

માહુલી કિલ્લા પરથી 300 ફૂટ ઉંડે ખીણમાં ખાબકેલા ટ્રેકરનો 22 કલાકે બચાવ

Updated: May 11th, 2024


Google NewsGoogle News
માહુલી કિલ્લા પરથી 300 ફૂટ ઉંડે ખીણમાં ખાબકેલા ટ્રેકરનો 22 કલાકે બચાવ 1 - image


વૃક્ષની ડાળીના સહારે ટકી રહી મોબાઈલ ઓપરેટ કર્યો

કેટલાક ટ્રેકર રોપની મદદથી પહોંચ્યા અને બિસ્કીટ તથા દવાઓ પૂરાં પાડયાં : ગઢ અને શિલ્પોના અભ્યાસ માટે આવ્યો હતો 

મુંબઇ :  થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલ પ્રખ્યાત માહુલી કિલ્લા પરથી ૩૦૦ ફૂટ ઉંડે ખીણમાં ખાબકેલા એક ટ્રેકરને સ્થાનિકો અને પર્વતારોહકોની એક ટીમે ૨૨ કલાકની ભારે જહેમત બાદ ખીણમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં ટ્રેકર કપિલ કસબે (૨૬)ને પગમાં ફ્રેકચર સહિત નાની-મોટી ઇજા થતા વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કસબે મૂળ નાંદેડનો રહેવાસી છે અને માહુલી ગઢ પરના શિલ્પો અને અન્ય ઐતિહાસિક બાબતોનો અભ્યાસ કરવા આવ્યો હતો અને છેલ્લા થોડા દિવસથી અભ્યાસના હેતૂથી અહીં જ રહેતો હતો.

આ સંદર્ભે પ્રાપ્ત ગઢ-કિલ્લાઓનો અભ્યાસુ કસબે તેના એખ મિત્ર સાથે માહુલી ગઢ પર આવેલ કિલ્લા પરના શિલ્પો અને અન્ય ઐતિહાસિક બાબતનો અભ્યાસ કરતા હતા.  ગઈ તા. આઠમી મેના રોજ કસબે એકલો જ ગઢ પર ભ્રમણ કરી રહ્યો હતો.  આ સમયે અચાનક પગ લપસી જતા કસબે ઝાડી-ઝાંખરામાંથી ગબડતો-ગબડતો ૩૦૦ ફૂટ ઉંડે ખીણમાં ખાબક્યો હતો. જોકે તેને પર્વતારોહણનો સારો અનુભવ હોવાથી તેણે જેમ-તેમ કરી હાથમાં આવે તે ઝાડી- ઝાંખરા પકડી લેતા ખીણમાં એક ખૂણામાં તેને થોડો સહારો મળી  રહેતા તે એક વૃક્ષની મોટી ડાળી પકડી બચવામાં સફળ રહ્યો હતો. સદભાગ્યે તેના પાસે મોબાઇલ હતો અને મોબાઇલનું નેટવર્ક મળતું હોવાથી તેણે આ ઘટનાની જાણ તેના મિત્રને અને શાહપુર પોલીસને કરી હતી અને તે સાથે જ પોતે જ્યાં ફસાયો હતો તે સ્થળનું લોકેશન પુરું પાડયું હતું.

સાહપુર પોલીસે તરત જ અમૂક સ્થાનિક ગામવાસીઓ અને આ પ્રકારની દુર્ઘટનામાં પોલીસને મદદરૃપ બનતા ટ્રેકરોની રેસ્ક્યુ ટીમને આ વતની જાણ કરી હતી. કસબેને આ ઘટનામાં પગલાં ફ્રેકચર થયું હતું અને પાંસળી  સહિત શરીરના અન્ય ભાગમાં ઇજાઓ થઇ હતી. વિવિધ રેસ્ક્યુ ટીમે સંકલન કરી કસબેને ખીણમાંથી બહાર કાઢવાની તૈયારી આરંભી હતી  જોકે આ દરમિયાન અંધારું થઇ જતા રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો આવી રહી હતી. તેથી હાલ રેસ્ક્યુ થંભાવી ફરી વહેલી સવારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કસબેને બચાવવા લોનાવલાના એક પ્રખ્યાત પર્વતારોહકની પણ મદદ લેવામાં આવી હતી.

ગુરૃવારે ૯ એપ્રિલે વહેલી સવારથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અમૂક ટ્રેકરો દોરડાની મદદથી કસબે સુધી પહોંચી ગયા હતા અને તેને બિસ્કીટ, ઓઆરએસ સહિત એનર્જી આવે તેવા પ્રવાહી પુરા પાડયા હતા. ત્યારબાદ ટ્રેકરોએ ચાર સ્ટેજમાં ઝીપ લાઇન્સ અને રેપલિંગ ટેકનિક અને બેક્ટ સ્ટ્રેચરની મદદથી ૨૨ કલાક બાદ કસબેને સુરક્ષિત રીતે ખીણમાંથી બહાર કાઢ્યો હતો. માહુલી ગઢ ટ્રેકરોમાં ખૂબ જાણીતો છે અને થાણે જિલ્લાનો હાઇએસ્ટ પોઇન્ટ છે.



Google NewsGoogle News