કલવાની સરકારી હોસ્પિટલમાં 1 મહિનામાં 21 નવજાત શિશુનાં મોત
આ જ હોસ્પિટલમાં ગયાં વર્ષે 24 કલાકમાં 18 મોત થયાં હતાં
ખાનગી હોસ્પિટલોમાંથી ગંભીર હાલતમાં લવાયેલાં શિશુઓના મોતનો તંત્રનો દાવોઃ ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્ટાફ વધારવાની ગુલબાંગો પોકળ નિવડી
મુંબઇ : થાણે પાસે આવેલા કલવાની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી હોસ્પિટલમાં જૂન મહિનામાં ૨૧ નવજાત શિશુ મૃત્યુ પામ્યા હતા. આ જ હોસ્પિટલમાં ગયા વર્ષે ૨૪ કલાકમાં ૧૮ દરદીએ જીવ ગુમાવ્યો હતો ત્યારે ભારે વિવાદ થયો હતો. તે વખતે હોસ્પિટલના ડોક્ટરો સહિતના પદાધિકારીઓ સામે પગલાં લેવાયાં હતાં અને તપાસ કમિટી પણ રચાઈ હતી. હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રકચર તથા સ્ટાફમાં વધારો કરવાની જાહેરાતો થઈ હતી. પરંતુ, તે પછી પણ ફરક નહિ પડયો હોવાનું સ્પષ્ટ થયું છે.
હોસ્પિટલના ડિન ડો. રાકેશ બારોટે તાજા જન્મેલા બાળકોના મૃત્યુની ઘટનાને પુષ્ટી આપતા જણાવ્યું હતું કે વિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઇસીયુ)માં એક મહિનામાં ૨૧ શિશુ (છ સેપ્ટિક અને ૧૫ નોન-સેપ્ટિક) મૃત્યુ પામ્યા હતા. જોકે, તેમના દાવા અનુસાર આ આંકડો બહુ ભયાવહ નથી.
આમાંના મોટા ભાગના શિશુને બચાવવામાં ખાનગી હોસ્પિટલોના પ્રયાસ નિષ્ફળ ગયા પછી અત્યંત ગંભીર હાલતમાં કલવા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડો. પનોદે કહ્યું હતું ક ે બાળકના જન્મ પછી જે ગોલ્ડન અવર્સ ગણાય એ દરમિયાન આમાંના મોટા ભાગના શિશુઓને સારવાર નહોતી મળી. એટલે ખાનગી હોસ્પિટલોમાંથી જ્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં સુધીમાં કિંમતી સમય વેડફાઈ ગયો હતો.
બીજા એક ડોક્ટરે કહ્યું હતું કે ઘણી ખાનગી હોસ્પિટલવાળા બાળકોને દાખલ કરી પેરેન્ટ્સ પાસેથી ઊંચી ફી પડાવે છે અને તબિયત ગંભીર બને એટલે હાથ ઊંચા કરી દે છે અને કહે છે કે ગવર્નમેન્ટ હોસ્પિટલમાં લઈ જાય. આ હોસ્પિટલમાં નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વિભાગમાં ૩૫ બેડની સુવિધા છે, પાલઘર અને થાણે બન્ને જિલ્લાના બાળદરદીઓને પહોંચી વળવા માટે આટલા બેડ પર્યાપ્ત નથી. એનઆઇસીયુ સુવિધાવાળી બીજી સરકારી હોસ્પિટલ ઠેઠ નાસિકમાં આવેલી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ ગણાતા વિસ્તારમાં ગયા ડિસેમ્બરમાં ૧૮ દરદીઓના મૃત્યુના પગલે શિંદે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને વ્યવસ્થા સુધારવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં કોઈ સુધારો થયો હોય એવું દેખાતું નથી.