નાગપુર સરકારી હોસ્પિટલમાંથી એફડીએ દ્વારા 21,600 નકલી દવા જપ્ત
એન્ટિબાયોટિક્સના નામે જિલ્લા આરોગ્ય કેન્દ્રોમાં નકલી ટિકડીઓ આપવાનું કૌભાંડ
અગાઉ જેલવાસ ભોગવી ચૂકેલા થાણેના રહેવાસીનો આરોપીઓમાં સમાવેશઃ ગુજરાતની અસ્તિત્વમાં નહોય એવી કંપનીનું નામ અપાયેલું
મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડિનિસ્ટ્રેશન (એફડીએ)એ બનાવટી દવાનું કૌભાંડ પકડી પાડીને નાગપુરની સરકારી હોસ્પિટલમાંથી એન્ટિબાયોટિક સિપ્રોફ્લોક્સિન તરીકેનું ખોટું લેબલ મારીને રખાયેલી ૨૧,૬૦૦ ટેબ્લેટો જપ્ત કરી છે. ત્રણ જણ સામે ગુનો નોઁધવામાં આવ્યો છે. આરોપીઓમાં થાણેના રહેવાસીનો સમાવેશ થાય છે જેને આવા ગુનામાં અગાઉ પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે.
એફડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે બનાવટી દવાઓ ગયા વર્ષે સરકારી કરાર હેઠળ મેળવાઈ હતી અને તાજેતરમાં ઈન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે મળી આવી હતી. જિલ્લામાં રાજ્ય સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં આ હોસ્પિટલ દવાઓ પહોંચાડે છે.અહેવાલ અનુસાર લાખોની કિંમતની આ દવાઓ મહારાષ્ટ્રની અનેક સરકારી હોસ્પિટલોમાં પહોંચાડાઈ હતી.
માર્ચ ૨૦૨૩માં એફડીએએ નાગપુરથી ૪૦ કિ.મી.ના અંતરે કલમેશ્વર તાલુકામાં આવેલા રાજ્ય સંચાલિત આરોગ્ય કેન્દ્રમાંથી નમૂના લીધા હતા. મુંબઈમાં સરકારી લેબમાં ટેસ્ટ થયા બાદ ડિસેમ્બર ૨૦૨૩માં તેનંજ પરિણામ આવ્યું હતંંુ જેમાં આ દવામાં કોઈ સિપ્રોફ્લોક્સેસિન નહોવાને લીધે ઉપચારનો ગુણ ધરાવતી નહોવાનું જણાયું હતું.
અહેવાલને પગલે એફડીએએ નાગપુરની ઈન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલના સ્ટોરમાં રેડ પાડી હતી જેમાંથી ૨૧,૬૦૦ ટેબ્લેટ મળી હતી. રિફાઈન્ડ ફાર્મા, ગુજરાત નામની અસ્તિત્વમાં નહોય એવી કંપની દ્વારા બનાવટી દવા તૈયાર કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું.કેસ સંબંધે કલમેશ્વર પોલીસે થાણેના વિજય શૈલેન્દ્ર ચૌધરી, લાતુરના હેમંત ધોન્ડીબા મૂળે અને ભિવંડીના મિહિર ત્રિવેદી સામે ગુનો નોંધ્યો છે. ચૌધરી મુખ્ય આરોપી છે અને તેણે બોગસ દવાના વેચાણ બદલ અગાઉ જેલવાસ ભોગવ્યો છે. ચૌધરી ત્રિવેદીને દવા મોકલાવતો જે મૂળેને સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિતરણ માટે મોકલતો હતો.
કાંદિવલીમાં તબીબી અહેવાલ સાથે ચેડાં કરતી ટોળકી પકડાઈ
મુંબઈ: તબીબી ક્ષેત્રે ચાલી રહેલા ગોરખ ધંધાના અન્ય એક કેસમાં કાંદિવલી પોલીસે શતાબ્દિ હોસ્પિટલમાં તબીબી અહેવાલ સાથે ચેડાં કરતી ગેન્ગ પકડી છે. નાની ઈજાને ગંભીર કેસમાં ફેરવીને અર્થિક લાભ મેળવાતો હતો. ચાર જણની ધરપકડ કરાઈ છે.
આરોપી વાસુ ઠોંબરે, બાબુ લંગડા, અબ્દુલ ખાન (કથિત દરદી) અને સમીર હુસેનનો સમાવેશ થાય છે. હોસ્પિટલનો ચોકીદાર ફરાર છે. બાબુ માસ્ટરમાઈન્ડ હતો અને ભગવતી હોસ્પિટલમાં સરકારી એમ્બ્યુલન્સમાં અટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. તેણે શતાબ્દી હોસ્પિટલના કોન્ટ્રેક્ટ કામગાર ઠોંબરે સાથે સાઠગાઠ કરી હતી.