Get The App

2024-25નો શિયાળો અતિ ટાઢોબોળ રહેવાનો વરતારો : મહારાષ્ટ્ર પણ થરથર ધ્રુજશે

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
2024-25નો શિયાળો અતિ ટાઢોબોળ રહેવાનો વરતારો : મહારાષ્ટ્ર પણ થરથર ધ્રુજશે 1 - image


- હવામાન વિભાગની માર્ગદર્શિકા જારી : લા - નીના પરિબળની તીવ્ર અસર રહેવાનો સંકેત 

- જમ્મુ -કશ્મીર,હિમાચલ પ્રદેશ, ઉત્તરા ખંડ, દિલ્હી -એનસીઆર ઠરી જવાની શક્યતા

મુંબઇ : હવામાન વિભાગે એવો સંકેત  આપ્યો છે કે ૨૦૨૪ --૨૫ નો શિયાળો અતિ ટાઢોબોળ  અને કડકડતો રહે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. ખાસ કરીને જમ્મુ -કશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી-- નેશનલ કેપિટલ રિજન(એન.સી.આર.) વગેરે રાજ્યોમાં  સરેરાશ લઘુત્તમ તાપમાન ત્રણ(૩) ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેવાની શક્યતા છે. 

સાથોસાથ, ઠંડાગાર શિયાળાની અસર પશ્ચિમ --મધ્ય ભારતનાં રાજ્યોમાં પણ અનુભવાય તેવી સંભાવના છે. એટલે કે ૨૦૨૪--૨૫ના  શિયાળામાં મહારાષ્ટ્ર પણ ઠંડુગાર થઇને  થરથર ધ્રુજે   એવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.  

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.મૃત્યુંજય મોહપાત્રાએ એક ખાસ પ્રેસ રિલિઝ(૨૦૨૪ની ૨,સપ્ટેમ્બર)માં એવો વરતારો આપ્યો છે કે લા --નીના પરિબળ(પેસિફિક  મહાસાગરના ઠંડા પ્રવાહોને લા --નીના કહેવાય છે,જ્યારે ગરમ પ્રવાહોને અલ --નીનો કહેવાય છે) ની શરૂઆત ૨૦૨૪ના એપ્રિલ -- જૂન દરમિયાન થાય અને તેની તીવ્ર અસર  ઓક્ટોબર - ફેબ્રુઆરી દરમિયાન અનુભવાય તેવી સંભાવના છે. 

 પેસિફિક મહાસાગર પર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થાય એટલે તેની સપાટીનું તાપમાન ઘટે અને ઠંડુ બને.પરિણામે મહાસાગરના પ્રવાહો પણ ટાઢાબોળ બને. પૃથ્વીના ગોળાનું  સમગ્ર વાતાવરણ ઠંડુ થાય. આ પરિવર્તનને લા -નીના કહેવાય છે. લા -નીના પરિબળની અસરથી શિયાળો ઠંડોગાર રહે, જ્યારે ચોમાસું પણ રસતરબોળ રહે. 

લા --નીના પરિબળની અસર સામાન્ય રીતે નવ મહિના સુધી રહે છે. ક્યારેક આ પરિબળની અસર બે કરતાં વધુ વર્ષ સુધી પણ રહેતી હોય છે. પેસિફિક મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું કુદરતી ચક્ર હોય છે. આ પ્રાકૃતિક ચક્રમાં દર ત્રણ વર્ષે પરિવર્તન થાય છે. ૨૦૨૪ અને તે અગાઉ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલ --નીનો પરિબળની જબરી અસર વરતાઇ હતી.  ૨૦૨૩માં અલ --નીનો પરિબળની અસરથી પશ્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર,ગુજરાત,રાજસ્થાન વગેરે રાજ્યોમાં શિયાળો પણ સામાન્ય કરતાં વધુ હોટ હોટ રહ્યો હતો.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ૨૦૨૩માં ભારત સહિત સમગ્ર વિશ્વમાં અલ -- નીનો પરિબળની ભારે અસર રહી હતી. વિશ્વ હવામાન સંગઠન દ્વારા થયેલા  વ્યાપક સંશોધનાત્મક અભ્યાસમાં પણ ૨૦૨૩નો શિયાળો  છેલ્લાં ૧૦૦ વર્ષનો સૌથી   ગરમ રહ્યો હોવાનો ઉલ્લેખ છે.

 ચિંતાજનક પરિવર્તન તો એ પણ  થયું હતું કે ૨૦૨૪ના શિયાળામાં  આખા મહારાષ્ટ્રમાં -- કોલ્ડ વેવ (ઠંડીનું  મોજું) નો એક પણ તબક્કો નથી આવ્યો. હવામાનશાસ્ત્રના નિયમ મુજબ ભારતમાં  શિયાળામાં કોઇપણ સ્થળનું લઘુત્તમ તાપમાન સતત ત્રણ દિવસ સુધી ૧૦.૦ કે ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું રહે ત્યારે તે પરિસ્થિતિને કોલ્ડ વેવ કહેવાય છે.

દર શિયાળામાં મહારાષ્ટ્રના વિદર્ભ(અકોલા,અમરાવતી,ચંદ્રપુર)માં   અને મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,જળગાંવ,પુણે, માથેરાન,મહાબળેશ્વર)માં  ઠંડીનો પારો ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચો નોંધાય છે. મધ્ય મહારાષ્ટ્ર અને  વિદર્ભ આખું ટાઢાબોળ વાતાવરણમાં થર થર કાંપતું હોય છે. જોકે અલ -- નીનો પરિબળની અસરથી મહારાષ્ટ્રના આ બંને વિસ્તારમાં કોલ્ડ વેવનો એક પણ દિવસ જાહેર નથી થયો. આ પરિસ્થિતિ ખરેખર ગંભીર ગણાય. 

હવામાન વિભાગે એવી માર્ગદર્શિકા પણ  જારી કરી છે કે ૨૦૨૪ --૨૫નો શિયાળો અસહ્ય બને અને ચોમાસુ  ભરપૂર રહે  તો તેની વિપરીત અસર ખેતીના પાક પર પણ થવાની શક્યતા રહે છે.  સાથોસાથ ઠંડાગાર માહોલમાં બાળકો અને વૃદ્ધોએ પણ પૂરતી કાળજી રાખવી.


Google NewsGoogle News