મહારાષ્ટ્રના માન્યાચીવાડીમાં ફટાકડા ફોડે તેને 2000નો દંડ
ધ્વની તથા હવા પ્રદૂષણ અંગે જાગૃતિ માટે કદમ
દિવાળી જ નહિ અન્ય મેળાવડા કે પ્રસંગ ટાણે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
મુંબઈ : 'માઝી વસુંધરા' અભિયાન હેઠળ એક કરોડનું ઈનામ પ્રાપ્ત કરેલ રાજ્યનું પ્રથમ સૌરગ્રામ 'માન્યાચીવાડી' જે મહારાષ્ટ્રના પાટણ તાલુકામાં આવેલું છે, ત્યાં ગત અનેક વર્ષોથી 'ફટાકડાં મુક્ત ગામ'ની સંકલ્પના ચલાવાય છે. જેથી આ ગામમાં ફટાકડાં ફોડવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે અને છતાં જો કોઈ ફટાકડાં ફોડે તો તેની પાસેથી બે હજાર રુપિયાનો દંડ વસૂલાય છે.
વિવિધ સ્પર્ધા અને અભિયાનના માધ્યમે અત્યાર સુધીમાં આશરે ૭૬ જેટલાં પુરસ્કારો આ ગામે મેળવ્યા છે. અહીં પ્રદૂષણમુક્તિ અને પર્યાવરણ સંવર્ધનની ચળવળમાં સાથ પૂરાવવા આ ગામમાં અનેક વર્ષોથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. તેમાંય છેલ્લાં ચાર વર્ષથી માઝી વસુંધરા અભિયાનમાં ગામ સહભાગી થયા બાદ તો આ નિયમનું અહીં કડક પાલન કરાવાય છે.
ગામના પ્રવેશદ્વાર પર જ મોટું સૂચના બોર્ડ લગાવાયું છે, જેમાં લખ્યું છે કે, 'ગ્રામસભા ઠરાવે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું ઉલ્લંઘન કરવા પર બે હજાર રુપિયાની દંડાત્મક કાર્યવાહી કરાશે.' ગામના સરપંચના જણાવ્યાનુસાર, ફક્ત દિવાળીમાં જ નહીં તો અન્ય ઉત્સવ તેમજ મેળાવડાના પ્રસંગોએ પણ ફટાકડા ફોડવા પર અહીં પ્રતિબંધ છે.અહીં એક જાગૃત દેવસ્થાન છે, જ્યાં લગ્ન બાદ વરરાજા જાન સાથે માતાના દર્શને આવે છે, પરંતુ ત્યારે પણ ફટાકડા ફોડવામાં આવતાં નથી. ફટાકડાં ફોડવાથી થતાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણ બાબતે અમે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓમાં કાયમ જાગૃતિ લાવવાના પ્રયાસો કરતા હોઈએ છીએ. તેની પણ સારી અસર દેખાય છે અને અહીં હવાની ગુણવત્તા પણ નિયમિત તપાસવામાં આવે છે.