દાદરની ફૂલ બજારમાં ગણેશોત્સવમાં 200 કરોડનો બિઝનેસ થશે
ગણેશોત્સવના આગલા દિવસે ફૂલ બજાર હાઉસફૂલ
સામાન્ય દિવસોમાં 300 ગાડી ફૂલ આવે છે પણ ગણેશોત્સવમાં 3000 ગાડીઓ ઠલવાશે
મુંબઇ : ગણેશોત્સવના આરંભ સાથે જ દાદરની મોટામાં મોટી ફૂલ બજારમાં એટલી પ્રચંડ ભીડ સર્જાવા માંડી છે કે સ્ટેશન નજીકની ગલીઓમાં વાહન પસાર થઇ શકતા નથી એટલું જ નહીં સામાન્ય રાહદારીઓ માટે પણ ચાલવાનું મુશ્કેલ બની ગયું છે. રંગબેરંગી ફૂલોથી રીતસર ફૂલ બજારમાં દસ દિવસના ઉત્સવ દરમ્યાન ૨૦૦ કરોડના ફૂલનો વકરો થશે એવું અનુમાન છે.
દાદરની ફૂલ માર્કેટમાં આવતો બુધવારથી જ ગુલાબ, ગલગોટા અને જૂઇ સહિતના જાતજાતના ફૂલો ખરીદવા માટે લોકો ઉમટવા માંડયા હતા. આજે ગણેશોત્સવની પૂર્વસંધ્યાએ તો ફૂલો કેળના પાન, દુર્વા અને પૂજા માટેની સામગ્રી ખરીદવા માટેની ભીડ ચરમસીમાએ પહોંચી હતી.
દાદર પશ્ચિમની આ ફૂલ બજારમાં દરરોજ લગભગ ૧૫૦ ટ્રક અને ૧૫૦ ટેમ્પો ભરીને ફૂલ આવે છે. આમ રોજ ૩૦૦ ગાડી ભરીને આવેલા ફૂલ માર્કેટમાં ઠલવાય છે. આ જોતા દસ દિવસ દરમ્યાન ત્રણ હજાર ગાડીઓ આવશે. આમ દસ દિવસ દરમ્યાન તાજા ફૂલની ભારે માંગ રહેવાની છે.
પુણે જિલ્લામાંથી અને સાતારા, સાંગલી, નાસિકથી મોટા પ્રમાણમાં ફૂલો આવે છે. ગણેશોત્સવમાં ફૂલોનું વધુમાં વધુ વેચાણ થાય છે.
એક હજાર મહિલા પૂજાના ફૂલ-પાન-ફળનું વેચાણ કરે છે
દાદરની ફૂલ બજારના બહોળા કારોબાર વિશે જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે.
- ફલાવર માર્કેટમાં ૬૫૦ દુકાનો છે.
- દસ દિવસમાં એક દુકાનમાંથી લગભગ દસ લાખની કિંમતના ફૂલોનું વેચાણ થાય છે.
- દરરોજ એકંદર ૨૦ કરોડનો વકરો થશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.
- રોજ ૧ હજાર મહિલાઓ પૂજા માટેના ફૂલ-પાન-ફળનું વેચાણ કરે છે.
- થાણે જિલ્લાની અનેક મહિલાઓ આંબાની ડાળો, બેલ અને દુર્વા સહિતની સામગ્રી વેંચવા આવે છે.
- ઘણી મહિલાઓ તો રેલવેના પુલ પર પણ ફૂલની ઢગલીઓ કરી વેંચે છે.